ટીમ ઈન્ડિયાએ ટી ૨૦ વર્લ્ડ કપ જીતતા જ પૈસાનો વરસાદ, દક્ષિણ આફ્રિકા પણ અમીર થઈ ગયું

વર્ષોની રાહ જોતા આખરે ભારતીય ટીમે ટી ૨૦ વર્લ્ડ કપની ટ્રોફી જીતી લીધી. ભારતે બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને ૭ રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં એક પણ મેચ હારી નથી અને સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. ફાઈનલ મેચમાં પણ ભારત માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

આઇસીસીએ ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની શરૂઆત સમયે ઈનામની રકમ જાહેર કરી હતી. આ વખતે ટી ૨૦ વર્લ્ડ કપ માટે અંદાજે ૯૩.૫ કરોડ રૂપિયાનું વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીતવા માટે ૨૦.૩૬ કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. ઉપવિજેતા રહી ચુકેલી દક્ષિણ આફ્રિકાની ટીમ પણ અમીર બની ગઈ છે. આફ્રિકાની ટીમને ૧૦.૬૪ કરોડ રૂપિયા મળ્યા છે.

આ વખતે સેમિફાઈનલમાં હારેલી ટીમોને મોટી ઈનામી રકમ પણ મળી છે. સેમિફાઇનલમાં હારેલી ટીમોને ૬.૫૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તે જ સમયે, સુપર-૮માં તેમની સફર પૂરી કરનારી ટીમોને ૩.૧૮ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બીજી તરફ ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહેલી ટીમોને ૨.૦૬ કરોડ રૂપિયા મળ્યા છે. સુપર-૮ સુધી દરેક મેચ જીતવા બદલ ટીમોને ૨૫.૯ લાખ રૂપિયા મળ્યા છે. ભારતીય ટીમે સુપર-૮ સુધી ૬ મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ સુપર-૮ સુધી ૭ મેચ જીતી છે. આવી સ્થિતિમાં સુપર-૮ સુધી દરેક મેચ જીતવા બદલ ભારતને ૧.૫૫ કરોડ અને દક્ષિણ આફ્રિકાને ૧.૮૧ કરોડ રૂપિયા મળ્યા છે.

ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ હતી. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ ભારત અને અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું. આ બંને ટીમોને ૬.૫૫-૬.૫૫ કરોડ રૂપિયા મળ્યા છે. સુપર-૮માં પહોંચનારી યુએસએ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશની ટીમોના નામ પણ સામેલ છે. આ ટીમોને ૩.૧૮ કરોડ રૂપિયા મળ્યા છે.