ટીમ ઈન્ડીયાની લીડ સ્પોન્સરશીપ રાઈટમાં બેસ્ટ પ્રાઈઝ રૂા.૩૫૦ કરોડ

મુંબઈ : આગામી સમયમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દ્વારા ટીમ ઈન્ડીયાના મુખ્ય સ્પોન્સરશીપ હકમાં લઘુતમ રૂા.૩૫૦ કરોડની બીડ પ્રાઈઝ નિશ્ર્ચિત કરી છે અને તે માટે હવે કંપનીઓને ઓફર કરવા આમંત્રણ આપ્યુ છે. જેમાં નેશનલ લીડ સ્પોન્સર રાઈટ ઉપરાંત ક્રિકેટ બોર્ડે દ્વીપક્ષી શ્રેણીમાં પ્રતિ મેચ માટે રૂા.૩ કરોડ અને આઈસીસી તેમજ એશીયન ક્રિકેટ કાઉન્સીલના મેચમાં રૂા.૧ કરોડની લઘુતમ કિંમત માટે સ્પોન્સરશીપ રાઈટ આપવાની જાહેરાત કરી છે.

તા.૧૪ જૂનના રોજ આ અંગેના ટેન્ડર બહાર પડાયા હતા અને તા.૨૬ જૂન સુધીમાં ટેન્ડર ઉપાડી શકાશે. અગાઉ માર્ચ ૨૦૨૩ સુધી એજયુકેશન ટેક કંપની બાયજુસ જે સ્પોન્સરશીપ રકમ પ્રતિ મેચ માટે આપતી હતી તેના કરતા નવા બિડીંગ માટેની બેસ્ટ પ્રાઈઝ અત્યંત નીચી રખાઈ છે. બાયજુસ એ ડોમેસ્ટીક મેચમાં રૂા.૫.૦૭ કરોડ પ્રતિ મેચ અને આઈસીસી તેમજ એસીસીના ટુર્નામેન્ટમાં પ્રતિ મેચ માટે રૂા.૧.૫૬ કરોડ ક્રિકેટ બોર્ડને ચૂકવ્યા હતા.