
ક્રાઈસ્ટચર્ચ,
ક્રાઈસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે આ રોમાંચક ટેસ્ટ મેચ છેલ્લા બોલ પર ૨ વિકેટથી જીતી મેળવી લીધી હતી. આ મેચના પરિણામે જ્યાં શ્રીલંકન ટીમના મનસૂબાઓ પર પાણી ફરી ગયું છે ત્યાં ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ૨૦૨૩ની છેલ્લી ટેસ્ટ મેચ પૂરી થાય તે પહેલાં જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ( ડબ્લ્યુટીસી ૨૦૨૩)ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. વાસ્તવમાં આ ત્યારે શક્ય બન્યું જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે શ્રીલંકાને આ ટેસ્ટ મેચ જીતતા અટકાવ્યું. ન્યૂઝીલેન્ડની જીતના હીરો રહેલા પૂર્વ કેપ્ટન કેન વિલિયમસને અણનમ ૧૨૧ રન બનાવ્યા હતા.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ સંસ્કરણમાં ઉપવિજેતા રહી ચૂકેલી ભારતીય ટીમ હવે સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. આ વખતે ફાઇનલ મેચ ૭ જૂન, ૨૦૨૩થી રમાશે, જેમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયન ટીમે આ પહેલાં ઈન્દોર ટેસ્ટ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચવા પર નજર રાખશે. ફાઇનલ મેચ લંડનના ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને ગત સંસ્કરણની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય મળ્યો હતો. પરંતુ આ વખતે એ જ ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી છે.
કારણ કે ચોથા સ્થાને રહેલી શ્રીલંકાની આ પછી હજુ એક મેચ બાકી હતી. જો શ્રીલંકાની ટીમ આ શ્રેણીની બંને મેચ જીતી ગઈ હોત તો ભારતીય ટીમ અંતિમ રેસમાંથી બહાર થઈ શકી હોત. આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડે માત્ર શ્રીલંકાને જીતવાથી જ રોકી નથી, પરંતુ તેની યોજનાઓને બગાડીને ટીમ ઈન્ડિયા માટે ફાઈનલનો રસ્તો સાફ કરી દીધો છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડને ૨૮૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. છેલ્લા દિવસે વરસાદના કારણે રમત પ્રભાવિત થઈ હતી અને કિવી ટીમને માત્ર ૫૩ ઓવર જ મળી હતી. પરંતુ આ ટીમે કરી બતાવ્યું અને ૫૩ ઓવરમાં બાકીના ૨૫૭ રન બનાવીને ટાઇટલ જીતી લીધું. ડેરીલ મિશેલે પણ ખાસ યોગદાન આપ્યું હતું અને ૮૧ રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
ભારત હાલમાં ૬૦.૨૯ જીતની ટકાવારી સાથે બીજા સ્થાને છે અને ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ જ સમયે, ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકા (૫૫.૫૬ ટકા) અને ચોથા સ્થાને શ્રીલંકા અંતિમ રેસમાંથી બહાર છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ન્યુઝીલેન્ડની ટીમની આ વખતે ખૂબ જ ખરાબ સિઝન રહી છે અને તે ૮મા સ્થાને છે. બીજી તરફ, સફેદ બોલ ક્રિકેટની ચેમ્પિયન ઇંગ્લિશ ટીમ પ્રારંભિક રાઉન્ડમાં ખરાબ પ્રદર્શનને કારણે પાંચમા સ્થાને રહી હતી. આ સિવાય પાકિસ્તાન છઠ્ઠા સ્થાને અને વેસ્ટ ઈન્ડિઝ સાતમા સ્થાને છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમ છેલ્લા એટલે કે ૯મા સ્થાને છે.