
નવીદિલ્હી,
આવતીકાલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મતલબ કે બીસીસીઆઈની એપેક્સ કાઉન્સીલની મિટિંગ મળવાની છે. આ મિટિંગમાં આમ તો અનેક મુદ્દે ચર્ચ થશે જેમાં સૌથી મોટો મુદ્દો ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, પસંદગી સમિતિ અને સીઓસી પેનલનો રહેવાનો છે. આ ઉપરાંત પણ અન્ય વિષયો ઉપર વાત થશે અને એ દરમિયાન એ પણ નક્કી થશે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૨૩ માટે જો ટેક્સ છૂટ નથી મળતી તો પછી બોર્ડ આ સ્થિતિમાં શું કરશે. આ ઉપરાંત અલગ ફોર્મેટમાં અલગ કેપ્ટન રાખવાના મહત્ત્વના મુદ્દે પણ નિર્ણય લેવાઈ શકે છે.
આ મિટિંગ વર્ચ્યુઅલી મળવાની છે. આઈસીસી ટી-૨૦ વિશ્ર્વકપના સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યા બાદ અલગ ફોર્મેટ પ્રમાણે કેપ્ટન રાખવાનો મુદ્દો છંછેડાયો છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે હાદક પંડ્યાના નામ અંગે ચર્ચા થઈ શકે છે કેમ કે રોહિત શર્મા હવે ૩૫ વર્ષનો થઈ ગયો છે. જ્યારે ટી-૨૦ ટીમને નવો કોચ મળી શકે છે.
બીસીસીઆઈ સ્પ્લિટ કોચિંગ લાવી શકે છે. આવામાં રાહુલ દ્રવિડને ભારતની ટેસ્ટ અને વન-ડે ટીમનું કોચપદ મળી શકે છે જ્યારે ટી-૨૦ ટીમ માટે એક અલગ કોચને નિયુક્ત કરવા પર વિચાર થઈ શકે છે. આ ઉપરાંત બીસીસીઆઈ કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કરી શકે છે. આ બિટિંગમાં બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને પણ અંતિમ રૂપ આપશે જેમાં સૂર્યકુમાર યાદવને પ્રમોશન મળવાની પૂરી સંભાવના છે.