નવીદિલ્હી,
યુવા વિકેટકીપર બેટર સંજૂ સેમસન ને ભારત માટે રમવાની વધુ તક મળતી નથી. ક્યારેક તેને ટીમમાં જગ્યા મળે છે તો ક્યારેક એક-બે મેચ રમાડી બહાર કરી દેવામાં આવે છે. કેરલના સેમસને ૨૦૧૫માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. લગભગ ૭ વર્ષના લાંબા કરિયરમાં તેને માત્ર ૨૭ મેચ રમવાની તક મળી છે. આ વર્ષે સીનિયર ખેલાડીઓને આરામ આપવા સમયે સંજૂને તક મળી હતી પરંતુ ફરી ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
ભારતીય ટીમમાંથી નજરઅંદાજ થઈ રહેલા સંજૂ સેમસનને આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે રમવાની ઓફર આપી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આયર્લેન્ડ બોર્ડે સંજૂ સેમસનનો સંપર્ક કર્યો છે. તેને ગેરંટી આપવામાં આવી છે કે તે ટીમના દરેક આંતરરાષ્ટ્રીય મેચનો ભાગ રહેશે.
સંજૂ સેમસને કથિત રીતે આ ઓફરનો અસ્વીકાર કર્યો છે. પરંતુ તેણે આયર્લેન્ડ બોર્ડ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો, સેમસને કહ્યું કે તે માત્ર ભારત માટે રમી શકે છે અને ક્યારેય અન્ય દેશનું પ્રતિનિધિત્વ કરવાની કલ્પના ન કરી શકે. પરંતુ હજુ તેના પર કોઈ પક્ષ તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
ભારતીય ટીમે આ વર્ષે ટી૨૦ વિશ્ર્વકપ અને એશિયા કપ રમ્યો હતો. બંનેમાં ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નહીં. આ બંને મહત્વની ટૂર્નામેન્ટમાં સંજૂ સેમસનને તક મળી નહીં. સંજૂએ અત્યાર સુધી ૧૧ વનડે મેચમાં ૬૬ની એવરેજ અને ૧૦૫ની સ્ટ્રાઇક રેટથી ૩૩૦ રન બનાવ્યા છે. તો ૧૬ ટી૨૦ મેચમાં ૨૧ની એવરેજ અને ૧૩૫ની સ્ટ્રાઇક રેટથી ૨૯૬ રન બનાવ્યા છે. ટી૨૦ વિશ્ર્વકપ બાદ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર સંજૂને તક મળી હતી. પછી તે બાંગ્લાદેશમાં રમાયેલી વનડે સિરીઝમાં બહાર રહ્યો હતો.