નવીદિલ્હી, ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વિેશ્ર્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમ બોલરોનો કાર્યભાર વધારવા ઉપર ભારત આપી રહી છે. ટીમ ફાઈનલ મુકાબલા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ભારતીય બોલર અન્ય ખેલાડીઓ (ચેતેશ્ર્વર પુજારા સિવાય) સાથે તાજેતરમાં જ સંપન્ન થયેલી આઈપીએલનો હિસ્સો હતો.
બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ કહ્યું કે અત્યાર સુધીની અમારી તૈયારી એકદમ શ્રેષ્ઠ રહી છે. અમે પ્રારંભીક સત્રમાં અહીંની પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડી રહ્યા હતા પરંતુ પાછલા બે સત્ર એકદમ સારા રહ્યા છે. અમે બોલરોના કાર્યભારમાં થોડો વધારો કર્યો છે. ફિલ્ડિંગ કોચ ટી.દિલીપે કહ્યું કે તેમનું ધ્યાન બેટરના નજીકના ફિલ્ડરોની કેચ પ્રેક્ટિસની સાથે ખેલાડીઓની ફિટનેસ ઉપર પણ છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ આઈપીએલ રમીને આવ્યા છે આવામાં વર્કલોડ મેનેજમેન્ટ અત્યંત મહત્ત્વનું બની જાય છે.
બેટરની નજીક અને સ્લિપમાં કેચ પ્રેક્ટિસ ઉપર અત્યારે અમે વધુ ધ્યાન આપી રહ્યા છીએ. જ્યારે બેટિંગ કોચ વિક્રમ રાઠોરે કહ્યું કે અમારું ધ્યાન લાંબા ફોર્મેટ માટે અનુકુળ થવા ઉપર રહેશે. સૌએ ઘણું ક્રિકેટ રમ્યું છે. અમને જે પણ સમય મળી રહ્યો છે તેમાં અમે લાલ દડાથી રમીને પ્રેક્ટિસ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે સિરાજ, શાર્દૂલ, અક્ષર, ઉનડકટ અને ઉમેશ ઈંગ્લેન્ડ પહોંચનારા ખેલાડીઓના પ્રથમ જત્થામાં સામેલ હતા જ્યારે ગુજરાત ટાઈટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, શુભમન ગીલ સહિતના ખેલાડીઓની રવાનગીમાં વિલંબ થયો હતો.
ઑસ્ટ્રેલિયાના ટોચના બેટર સ્ટિવ સ્મિથે જણાવ્યું કે ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો ઈંગ્લેન્ડ નહીં બલ્કે ભારતમાં રમાતો હોય તેવું લાગી શકે છે કેમ કે અહીં ભારત જેવી જ પરિસ્થિતિઓ લાગી રહી છે. સ્મિથનું માનવું છે કે ફાઈનલમાં મળનારી પીચ બેટરો માટે અનુકુળ રહેશે. મેચ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ઑસ્ટ્રેલિયન ટીમે ભારત જેવી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. જેવી રીતે ભારતમાં સ્પિનરોને મદદ કરતી પીચ હોય છે તેવી જ અહીં પણ હોવાની શક્યતાને ધ્યાનમાં રાખી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમારા માટે ફાઈનલમાં ભારતનો સામનો કરવો અત્યંત રોમાંચકારી છે. આખું ગ્રાઉન્ડ પેક થઈ જવાની સંભાવના હોવાથી આ મેચ શાનદાર બની રહેશે તેમ કહી શકાય.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે કહ્યું કે ચેતેશ્ર્વર પુજારા ઈંગ્લીશ કાઉન્ટીમાં લાંબા સમય સુધી રમવાને કારણે ફાઈનલમાં ભારતીય ટીમના ખેલાડીઓને બહુમુલ્ય સલાહ આપી શકે છે. પુજારાનો પરિસ્થિતિઓની જાણકારી અને સસેક્સની કેપ્ટનશિપનો અનુભવ જોતાં તેની સલાહ કિંમતી બની રહેશે. ઑસ્ટ્રેલિયાના સ્ટાર બેટર સ્ટિવ સ્મિથ વિરુદ્ધ જે પુજારાની સાથે એક જ ટીમમાં કાઉન્ટી રમ્યો છે તેને કેવી રીતે આઉટ કરી શકાય તેનો અંગૂલીનિર્દેશ પુજારા આપી શકશે.