ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતા તિલક યાદવનું નિધન

મુંબઇ,

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભાગ લઈ રહી છે. ભારતે નાગપુર અને દિલ્હીમાં શરૂઆતની બે મેચોમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે, જ્યારે શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાવવાની છે. આ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતા તિલક યાદવનું નિધન થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં જન્મેલા ઉમેશના પિતા તિલકે કોલસાની ખાણમાં કામ કરીને પુત્રને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનાવ્યો હતો. ઉમેશ યાદવનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન આ દુ:ખદ સમાચાર આવ્યા છે. જો અહેવાલો પર વિશ્ર્વાસ કરવામાં આવે તો ઉમેશ નાગપુર પરત ફરશે.

ઉમેશ યાદવને ઈન્ટરનેશનલ ક્રિકેટર બનાવવામાં તેમના પિતાએ મોટી ભૂમિકા ભજવી હતી. ઓછા પગારની નોકરી હોવા છતાં તેમણે પોતાના પુત્રનું સપનું પૂરું કરવામાં કોઈ ક્સર છોડી ન હતી. તેઓ યુપીના દેવરિયાથી નોકરીના કારણે નાગપુર આવ્યા હતા. તેમની ઈચ્છા હતી કે તેમનો દીકરો પણ તેમની જેમ સરકારી નોકરી કરે, પરંતુ નસીબમાં કંઈક બીજું જ હતું. ઉમેશ યાદવે પણ તેમના પિતાનું સપનું (સરકારી નોકરી કરવાનું) પૂરું કરવાની કોશિશ કરી, પરંતુ કામ પાર પડ્યું નહીં. દીકરાને ક્રિકેટર બનવું હતું. તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટ માટે વિદર્ભ ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

અહીં ઉમેશ યાદવનું હીર ઝળક્યું. તેમના શાનદાર પ્રદર્શનને કારણે તેને ૨૦૧૦માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર વનડેમાં પદાર્પણ કરવાની તક મળી હતો. એક વર્ષ પછી, ઉમેશે ૨૦૧૧માં દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેમની ટેસ્ટ ડેબ્યૂ કરી હતી, જ્યારે ૨૦૧૨માં શ્રીલંકા સામે તેમની ટી ૨૦ ઈન્ટરનેશનલ કારકિર્દીની પ્રથમ મેચ રમી હતી. તેમણે ૫૪ ટેસ્ટમાં ૧૬૫ વિકેટ, ૭૫ વનડેમાં ૧૦૬ વિકેટ અને ૯ ટી૨૦માં ૧૨ વિકેટ ઝડપી છે. તેમણે છેલ્લી ટેસ્ટ ડિસેમ્બર ૨૦૨૨માં બાંગ્લાદેશ સામે મીરપુર ખાતે રમી હતી.