રાંચી, ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૫ વિકેટે હાર આપી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ૫ મેચની સીરિઝમાં ૩-૧થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે ૬ઠ્ઠી વિકેટ માટે અણનમ ૭૨ રનની ભાગેદારી નોંધાવી છે. જુરેલના બેટમાંથી વિનિંગ શોર્ટ આવ્યા છે. તેમણે ૨ રન લઈ મેચ જીતાડી છે. જુરેલે ૩૯ રન અને શુભમન ગિલ ૫૨ રન અણનમ રહ્યા હતા.
આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ ૫૫ રનની ઈનિગ્સ રમી હતી. ભારતને જીતવા માટે ૧૯૨ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટોસ જીતીને ઈંગ્લેન્ડે પહેલી ઈનિગ્સમાં ૩૫૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતની પહેલી ઈનિગ્સ ૩૦૭ રન પર સમાપ્ત થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ ૪૬ રનની લીડ સાથે બીજી ઈનિગ્સમાં ઉતરી હતી.ઈંગ્લેન્ડની બીજી ઈનિગ્સ ૧૪૫ રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારે તેની કુલ લીડ ૧૯૧ રન થઈ હતી.
આજે ચોથા દિવસે ભારત કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર ૪૦ રન બનાવી આગળ રમી રહી હતી. ભારતને પહેલો ઝટકો ૮૪ના સ્કોર પર લાગ્યો જ્યારે જો રુટે યશસ્વી જ્યસ્વાલને જેમ્સ એન્ડરસનના હાથ કેચ કરાવ્યો હતો. તે ૩૭ રન બનાવી શક્યો હતો. રોહિત શર્મા પણ ટેસ્ટ કરિયરની ૧૭મી અડધી સદી ફટકાર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો. તેમણે ટૉમ હાર્ટલને બેન ફોક્સના હાથ કેચ કરાવ્યો હતો. રોહિત ૫૫ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો, રજત પાટીદાર ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન ફર્યો હતો.
રવિન્દ્ર જાડેજા પણ કાંઈ ખાસ રમત દેખાડી શક્યો ન હતો ૪ રન બનાવી આઉટ થયો હતો.હાર્ટલે જાડેજા અને સરફરાઝ ખાનને આઉટ કર્યા હતા. સરફરાઝ પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. ત્યારબાદ જુરેલ અને શુભમનગિલે શાનદાર બેટિંગ કરી અને ખરાબ બોલ પર પણ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. બંન્ને સ્ટ્રાઈક રોટેટ કરતા રહ્યા અને ભારતને જીત અપાવી હતી.
શુભમન ગિલે ટેસ્ટ કરિયરની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. તો ધ્રુવે પહેલી ઈનિગ્સમાં ૯૦ રન બનાવ્યા બાદ બીજી ઈનિગ્સમાં આત્મવિશ્ર્વાસ સાથે ક્રિઝ પર ઉતર્યો અને શાનદાર શોર્ટસ રમ્યો હતો.