વિશાખાપટ્ટનમ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ૫-મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ૧૦૬ રને જીત મેળવીને શ્રેણીમાં જોરદાર વાપસી કરી છે. ઈંગ્લેન્ડે શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી, પરંતુ હવે ભારતીય ટીમે આ મેચ જીતીને શ્રેણી ૧-૧થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડ સામે ભારતની આ ૩૨મી ટેસ્ટ જીત છે. ટીમ ઈન્ડિયાએ એક ટીમ સામે આનાથી વધુ ટેસ્ટ મેચ જીતી નથી. ઈંગ્લેન્ડ ઉપરાંત ભારતે ઓસ્ટ્રેલિયા સામે પણ ૩૨ ટેસ્ટ જીતી છે.
વિશાખાપટ્ટનમ ટેસ્ટનો ચોથો દિવસ ઘણો રોમાંચક રહ્યો હતો. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે ૩૩૨ રનની જરૂર હતી અને તેના હાથમાં ૯ વિકેટ બાકી હતી. પરંતુ આર અશ્ર્વિન અને જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતી લીધી હતી. આ ઇનિંગમાં ભારત તરફથી આર અશ્ર્વિને ૩ અને જસપ્રિત બુમરાહે ૩ વિકેટ ઝડપી હતી.
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ ૩૯૬ રન પર સમાપ્ત થયો હતો. યશસ્વી જયસ્વાલે આ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી અને ૨૦૯ રન બનાવ્યા. આ પછી, ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને ૨૫૩ રનમાં સમેટી દીધી. આ દરમિયાન જસપ્રીત બુમરાહે સૌથી વધુ ૬ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે કુલદીપ યાદવે ત્રણ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા અને ૧ વિકેટ અક્ષર પટેલના નામે રહી.
બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલના બેટમાંથી શાનદાર ઇનિંગ જોવા મળી હતી. તેણે ૧૪૭ બોલમાં ૧૦૪ રન બનાવ્યા હતા. પરંતુ ભારતીય ટીમ તેની બીજી ઇનિંગમાં ૨૫૫ રન સુધી જ સિમિત રહી હતી. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ આ મેચમાં ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડને ૩૯૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ આ પહેલા જ ઈંગ્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.