
નવીદિલ્હી, પાકિસ્તાની સરકાર દેવાળુ કાઢવાના આરે છે અને હવે સરકાર પોતાના બાળકોને ભણાવી શકવાની સ્થિતિમાં પણ નથી. દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશને પોતાની સ્કૂલ પૈસાના અભાવે બંધ કરવી પડી છે.
આ સ્કૂલ હાઈકમિશનમાં કામ કરતા કર્મચારીઓના બાળકોને ભણાવવા માટે શરૂ કરવામાં આવી હતી. જોકે સ્કૂલમાં ભણાવતા શિક્ષકોને અને કર્મચારીઓને પગાર આપવાના પૈસા પણ હાઈકમિશનને એક વર્ષથી ફાંફા પડી રહ્યા હતા. જેના પગલે હાઈકમિશન દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ છે અને કહેવામાં આવ્યુ છે કે, સ્કૂલ બંધ કરવામાં આવી છે. જોકે સ્કૂલ મેનેજમેન્ટનુ કહેવુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સબંધોમાં તંગદિલિના કારણે સ્ટાફ ઓછો થઈ રહ્યો છે અને સ્ટાફ ઓછો હોવાથી બાળકોના એડમિશન ઓછા થઈ રહ્યા છે.
એક વર્ષ પહેલા આ સ્કૂલ ચાલુ રાખી શકાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઓછા પગાર અને બીજા ખર્ચમાં કાપ મુકવાની વિચારણા પણ કરવામાં આવી હતી. અહીંયા ભણાવતા શિક્ષકો કહે છે કે એક વર્ષથી અમને પગાર મળ્યો નથી અને હવે અમારી ધીરજ ખૂટી છે. છેવટે સ્કૂલને તાળા મારવાનો નિર્ણય લેવો પડ્યો છે.
પાકિસ્તાને એમ પણ ઘણા દેશોના હાઈકમિશનને ખર્ચા ઓછા કરવાની સૂચના આપી છે. કારણકે પાકિસ્તાન પાસે હાઈ કમિશન ચલાવવા માટેના નાણાની ખેંચ વરતાઈ રહી છે.