
લખનૌ,
ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે આકરી સજા ફટકારી છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લાની એક કોર્ટે ત્રણ વર્ષની બાળકી સાથે રેપ કરનારા આરોપીને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે કોર્ટે આરોપીને ૪૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. રેપની આ ઘટના વર્ષ ૨૦૨૦ની છે. જ્યાં આરોપી ટ્યુશન માટે આવેલી માસૂમ બાળકીને પોતાના ટેરેસ પર લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુશન ઓફિસર જેપી ભાટીએ જણાવ્યું કે, એડિશનલ સેશન્સ સ્પેશિયલ જજ (પાસ્કો-૨) ચંદ્ર મોહન શ્રીવાસ્તવની કોર્ટે ૧૧ સાક્ષીઓની જુબાની અને પુરાવાના આધારે સાગરને દોષિત ઠેરવ્યો છે અને તેને ૨૦ વર્ષની જેલની સજા ફટકારી છે. જેપી ભાટીએ જણાવ્યું કે, કોર્ટે આરોપીને ૪૦,૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને જો તે દંડ ભરવામાં નિષ્ફળ જશે તો તેને છ મહિનાની વધારાની કેદની સજા ભોગવવી પડશે.
દુષકર્મની આ ઘટના વર્ષ ૨૦૨૦ની છે. દાદરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસૂમ આરોપી સાગરની બહેન પાસે ટ્યુશન માટે જતી હતી. દુષ્કર્મની ઘટનાના દિવસે તે ટ્યુશન ગઈ હતી. પરંતુ તે દિવસે સાગરની બહેનની તબિયત ખરાબ હતી. આવી સ્થિતિમાં તેની બહેને સાગરને છોકરીને ટ્યુશન આપવાનું કહ્યું. જે બાદ આરોપીએ માસૂમ સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો.
સરકારી વકીલે જણાવ્યું કે, આરોપી છોકરીને તેના ઘરના ટેરેસ પર લઈ ગયો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીએ ઘરે જઈને સાગરના કૃત્ય વિશે જણાવ્યું. જે બાદ બાળકીના પિતાએ દાદરી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેના પર કોર્ટમાં ૨૦૨૦થી સુનાવણી ચાલી રહી હતી.