મુર્શિદાબાદ : કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી મનફાવે તેના નિર્ણયો લઈને લોકોને પરેશાન કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત લોકોને પરેશાન કરતો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારે ૨ હજારની નોટ પાછી ખેંચતા તે હવે વિપક્ષના નિશાને છે.
અધીર રંજન ચૌધરીને બંગાળના મુર્શિદાબાદ માં મીડિયા સાથે વાતચીત દરમિયાન ૨૦૦૦ રૂપિયાની નોટ અંગે પ્રશ્ર્ન કરાયો હતો. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તે મોદી નથી, પાગલ મોદી છે. લોકો તેમને પાગલ મોદી કહે છે.
બીજી તરફ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ બંગાળના સીએમ મમતા બેનર્જીને મળ્યા હતા. આના પર પણ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બંને પક્ષોનો ઉદ્દેશ્ય કોંગ્રેસને ખતમ કરવાનો છે, જેથી તેઓ પોતે આગળ વધી શકે.અહીં અધીર રંજન ચૌધરીએ બીજેપી સાંઠગાંઠનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યુું કે, ટીએમસીના નેતાઓ ક્યારેય બીજેપી વિરુદ્ધ બોલતા નથી. કેજરીવાલ અને ટીએમસીના સારા સંબંધ છે પરંતુ તે બીજેપી સામે લડવા માંગતા નથી.
અહીં અધીર રંજન ચૌધરીએ હિન્દુત્વને લઈને પણ પ્રહારો કર્યા અને કહ્યું કે, એક તરફ બીજેપીનું ચૂંટણી ચિન્હ ભગવાન રામ છે તો બીજી તરફ કેજરીવાલનું શ્રી હનુમાન. હિન્દુત્વની આ હરીફાઈમાં મમતા બેનર્જી પણ સામેલ છે. તે દુર્ગા પૂજા માટે ૫૦ હજાર રૂપિયા આપે છે. ત્રણેય સૌથી મોટો હિંદુ કોણ છે તે સાબિત કરવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્રણેય વચ્ચે ગરમા-ગરમ ઠંડા સંબંધો છે અને તેમનો ઉદ્દેશ્ય કોંગ્રેસને હટાવવાનો છે.
જો કે આ પહેલી વખત નથી જ્યારે અધીર રંજન ચૌધરીએ પ્રહારો કર્યા હોય, આ પહેલા પણ તે આવા પ્રહાર કરી ચુક્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઘુષણખોર છે. તે ખુદ ગુજરાતથી દિલ્હી આવ્યા છે. ભારત બધા માટે છે પરંતુ બન્ને મુસ્લિમોમાં ડર પેદા કરી રહ્યા કે તેમને બહાર ફેંકી દેવાશે.