- ભારતના ત્રણ રાજ્યનો ચીનની ૫ ફિંગર પોલિસીમાં સમાવેશ, નકશા ઉપર આકાર આપવાનો બળપૂર્વક પ્રયાસ કરે છે.
નવીદિલ્હી,
ચીન તેની વિસ્તારવાદની નીતિને વિસ્તારી રહ્યું છે. પોતાની વિસ્તારવાદની નીતિને વધુ આક્રમક બનીને ચીને ભારતના ઘૂસણખોરી કરવાનો પ્રયાસ વધાર્યો છે. લદ્દાખના ગલવાન ખીણપ્રદેશમાં જે પ્રકારે ચીનના સૈન્ય જવાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો તે જ રીતે ચીનને હવે અરુણાચલ પ્રદેશના તવાંગ સેકટરમાં પ્રસાય કર્યો છે. જો કે ચીન દ્વારા ઘૂસણખોરીના બન્ને પ્રયાસોને ભારતીય સૈન્યે નિષ્ફળ બનાવી દિધા છે.
દુનિયાભરમાં સૈન્ય અડપલાથી વિવાદ સર્જનાર ચીન, હજુ સુધર્યું નથી. વિસ્તરણવાદી નીતિને સંપૂર્ણ રીતે અલમમાં મૂકનાર ચીન, હવે ભારત પ્રત્યે સતત આક્રમક બની રહ્યુ છે. ચીનના સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઘૂસણખોરી કરી હતી. જેના પગલે, ભારતીય સેના અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. ચીન માત્ર ભારત સાથે જ આવુ નથી કરી રહ્યુ પરંતુ તેની આસપાસ આવેલ અન્ય દેશો સાથે પણ જમીન અને દરિયાઈ સરહદે વિવાદો સર્જયા છે. ચીનના તમામ પડોશી દેશ વિસ્તરણવાદની આ નીતિથી હેરાન પરેશાન થઈ ગયા છે. વિશ્ર્વના નકશા પર એક નજર કરીશુ તો જણાશે કે ચીન, સૌથી વધુ ૧૪ નાના મોટા દેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. આ તમામે તમામ દેશ સાથે સરહદને લઈને ચીન વિવાદ સર્જતુ જ આવ્યું છે.
ભારત હોય કે નેપાળ, ભૂટાન હોય કે તિબેટ, તમામ પર કબજો જમાવવાનું ચીન કાવતરુ ઘડી રહ્યું છે. જેને ફાઈવ ફિંગર પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. ચીનની ફાઈવ ફિંગર પોલિસી અત્યંત વિવાદાસ્પદ છે, જો કે ચીને ક્યારેય પણ સત્તાવાર રીતે ફાઈવ ફિંગર પોલિસીનું નામ લેતું નથી પરંતુ હંમેશા તેને નકશા ઉપર આકાર આપવાનો બળપૂર્વક પ્રયાસ કરે છે. ૧૯૪૯માં સામ્યવાદી પાર્ટીએ ચીનમાં સત્તા સંભાળી, ત્યારે વિસ્તરણવાદની નીતિ પર કામ શરૂ થયું હતું. સરકારની રચના થતાં જ ચીને તિબેટ, પૂર્વ તુર્કસ્તાન અને મંગોલિયા પર કબજો કરી લીધો હતો. આંતરીક ગૃહયુદ્ધ પછી તાઇવાન નામનો એક અલગ દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. આ અંગે ચીન હજી પણ તાઈવાનને પોતાનો હિસ્સો ગણાવે છે. વિસ્તારવાદ અને ફાઈવ પોઈન્ટ પોલીસીને અનુલક્ષીને, ચીને ૧૯૯૭માં હોંગકોંગ અને ૧૯૯૯માં મકાઉને પણ પોતાની સાથે જોડી દીધું હતું.
ભારત અને ચીન વચ્ચે અથડામણનો બનાવ અરુણાચલ પ્રદેશમાં બન્યો છે. ૧૯૬૨ના યુદ્ધમાં ચીનના સેન્યે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ઊંડે સુધી ઘૂસી ગઈ હતી અને અરુણાચલ પ્રદેશના મોટા વિસ્તાર પર કબજો કરી લીધો હતો. આજે ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગમાં ગેરકાયદે કબજો ધરાવે છે. તેના પર ચીને ગામ પણ વસાવ્યા છે. આ વિસ્તાર નેફા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચીન આ વિસ્તારમાં કોઈપણ ભારતીય નેતાની મુલાકાતનો ભારે વિરોધ કરે છે. તે અહીંના લોકોના ભારતીય પાસપોર્ટને ઓળખતા નથી. જ્યારે ચીન પાસે એવા કોઈ પુરાવા નથી, જેનાથી સાબિત થઈ શકે કે તે તેમની જમીન છે. વિસ્તારવાદને વરેલા ચીનનું પેટ ભારતના રાજ્યોની જમીન હડપ કરીને હજુ પણ ભરાયું નથી, તેથી જ ચીન હજુ પણ અરુણાચલ પ્રદેશના વધુ કેટલાક ભાગો ઉપર કબજે જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.ભારતની પૂર્વ બાજુ આવેલ પાડોશી દેશ ભૂટાનનો પણ ચીનની ફાઈવ ફિંગર નીતિમાં સમાવેશ થાય છે. ચીન લાંબા સમયથી આ અંગે દાવો કરી રહ્યું છે. ભારતની ભૂટાન સાથે સૈન્ય સંધિ છે, જે અંતર્ગત ભારત આ દેશને સૈન્ય સહાય પૂરી પાડે છે. ભારતીય દળો અહીં સુરક્ષાનું યાન રાખે છે. જો કે, ભૂતાનને મૂર્ખ બનાવવા ચીન અવનવા ગતકડા કરતુ રહે છે.
સિક્કિમ ભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જ્યા કુદરતી સૌદર્ય પણ સોળે કળાએ ખીલ્યુ છે, તો ભૌગોલિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ છે. આઝાદી સમયે સિક્કિમ ભારતનો ભાગ ન હતુ. સિક્કિમનું વર્ષ ૧૯૭૫માં ભારતમાં વિલીનીકરણ થયું હતું. સિક્કિમના વિલીનીકરણ સમયે ચીને ભારે વિરોધ કર્યો હતો. પરંતુ તેની કોઈ ચાલ સફળ થઈ નહોતી. હવે આજના સમયમાં ચીન સિક્કિમને પોતાનું હોવાનો દાવો કરે છે. ચીની સેનાએ અવારનવાર સિક્કિમમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે.
નેપાળ સાથે સારા સંબંધો હોવાનો ચીન ભલે ગમે તેટલો દાવો કરે, પરંતુ તેની નેપાળ દેશ પર પણ ખરાબ નજર છે. નેપાળના મોટા ભાગ પર પણ ચીનનો કબજો છે. તાજેતરમાં, નેપાળના લોકો ચીનના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. એક સમયે નેપાળે ભારતને સૈન્ય મદદ કરવા માટે વિનંતી પણ કરી હતી. ભારત હંમેશા નેપાળને મદદ કરતું આવ્યું છે. પરંતુ નેપાળની સામ્યવાદી સરકાર લાંબા સમય સુધી ચીનના ઇશારે કામ કરતી રહી છે. ભારતના ઉતરીય રાજ્ય લદ્દાખમાં ચીનની ઘૂસણખોરી અને લશ્કરી અડપલા કોઈનાથી છુપા નથી. ચીનની પીએલએ સેના સતત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી રહી છે. ચીને પહેલાથી લદ્દાખનાજ મોટા વિસ્તાર ઉપર કબજો કર્યો છે. જે અક્સાઈ ચીન તરીકે ઓળખાય છે. તે એક સમયે ભારતનો જ એક પ્રદેશ હતો. ચીનનો ડોળો ગાલવાન ખીણ પર છે. જ્યાં જૂન, ૨૦૨૦ થી સરહદે તણાવ યથાવત્ છે. આ તણાવનો અંત લાવવા બંને દેશો વચ્ચે સૈન્ય અધિકારીસ્તરે લગભગ ૧૬ રાઉન્ડ બેઠક યોજાઈ છે. છતા સ્થિતિ યથાવત રહેવા પામી છે.