તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર ભારતને અમેરિકાનું સમર્થન મળ્યું

  • અમે અમારા ભાગીદારોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ.

વોશિગ્ટન,

ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. ભારતીય સૈનિકોએ ચીનની ચાલાકીને ધોબીપછાડ આપીને ચીની સૈનિકોને ખદેડી મૂક્યા હતા પરંતુ હજુ પણ સ્થિતિ ચિંતાજનક કહી શકાય. આ સમગ્ર વિવાદ પર હવે અમેરિકાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. એવું કહેવાયું છે કે બાઈડેન પ્રશાસન એ વાતથી ખુશ છે કે ભારત અને ચીનના સૈનિક જલદી ડિસએન્ગેજ થઈ ગયા. મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કારાઈન જીન પિયરેએ કહ્યું કે સ્થિતિ પર અમેરિકાની બાજ નજર છે અને બંને પક્ષોએ વિવાદિત સરહદો પર ચર્ચા માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ.

બીજી બાજુ પેન્ટાગનના પ્રેસ સચિવ પેટ રાઈડરે કહ્યું કે અમે જોયું છે કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) એલએસીની સાથે સાથે સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ચાલુ રાખ્યું છે. અમારી સ્થિતિ પર નજર છે. અમેરિકાએ કહ્યું કે અમે અમારા ભાગીદારોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ. અમે સ્થિતિને નિયંત્રિત કરવાના ભારતના પ્રયત્નોનું પૂરેપૂરું સમર્થન કરીએ છીએ.

અરુણાચલના તવાંગમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની અથડામણ પર વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે કહ્યું કે અમેરિકા સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે બંને દેશોને દ્વિપક્ષીય વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. પિયરે કહ્યું કે તે જાણીને આનંદ થયો કે તણાવ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો. તેમણે વધુમાં કહ્યું કે અમને એ સાંભળીને આનંદ થયો કે અથડામણ બાદ બંને પક્ષો તરત જ અલગ થઈ ગયા. અમે ભારત અને ચીનને વિવાદિત સરહદો પર ચર્ચા કરવા માટે વર્તમાન દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવા વિનંતી કરીએ છીએ.

ચીને કહ્યું કે સરહદ પર સ્થિતિ સ્થિર છે અને સામ-સામે અથડામણ વિશે કોઈ માહિતી આપી નથી. નિર્વાસિત તિબેટીયન સંસદના ડેપ્યુટી સ્પીકર ડોલ્મા ત્સેરિંગ તેખાંગે કહ્યું કે સરહદ પર તણાવ માટે ચીન માત્ર ભારતને જ દોષી ઠેરવશે. તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણના દિવસો બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશોને સરહદ પર તણાવ ઓછો કરવા હાકલ કરી હતી. અથડામણ દરમિયાન બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.

યુએન સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકને જ્યારે આ મુદ્દે ટિપ્પણી કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “હા, અમે અહેવાલો જોયા છે.” અમે ડી-એસ્કેલેશન માટે હાકલ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે પ્રદેશમાં તણાવ વધુ ન વધે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બેઇજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ રાજદ્વારી અને સૈન્ય માયમો દ્વારા સરહદી મુદ્દાઓ પર સરળ વાતચીત જાળવી રાખી છે. જૂન ૨૦૨૦માં ગાલવાન ઘાટીમાં ભીષણ સંઘર્ષ બાદ બંને દેશોના સૈનિકો વચ્ચે આ પ્રથમ મોટી અથડામણ છે.