તાઉ-તે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં ફેરવાયુ છે અને હવામાન વિભાગે તેને ગ્રેટ ડેન્ઝર એલર્ટ ગણાવ્યુ છે. વાવાઝોડું દીવથી માત્ર 130 કિલોમીટર દૂર છે. તાઉ-તે વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લાં છ કલાકમાં 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. તાઉ-તે વાવાઝોડું આજે રાતે આઠથી 11 વાગ્યાના અરસામાં દીવથી 20 કિલોમીટર પૂર્વમાં ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડું 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. ગુજરાતમાં 30 મીમીથી 300 મીમિ વરસાદ પડવાની સંભાવના છે. સાયક્લોનના ટ્રેક પર 100થી 300 મીમી. અને ટ્રેકની આસપાસ 30થી 100 મીમિ સુધી વરસાદ વરસશે.
દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155થી 185 કિલોમીટર કલાક રહેવાની શકયતા છે. વાવાઝોડાના કારણે જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને નવાસારીમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના તમામ પોર્ટ પર ગ્રેટ ડેનઝર સિગ્લન લગાવી દેવાયુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.આ દરમિયાન દરિયાઇ પટ્ઠીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. તાઉ-તે વાવાઝોડાને પગલે કંડલા પોર્ટ ખાલી કરાવાયું છે. જ્યાં પોર્ટમાં 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જહાજોને ઓટીબીમાં ખસેડાયા છે અને અત્યાર સુધી 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.
ગુજરાત તરફ આગળ વધે તે અગાઉ તાઉ-તે વાવાઝોડાની અસર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી હતી. મુંબઈમાં આખો દિવસ ઘણા વિસ્તારમાં ભારે વરસાદ વરસતો રહ્યો. ભારે પવન અને વરસાદના કારણે દક્ષિણ પશ્ચિમ રેલવે, અને પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે.