તાઉ તે વાવાઝોડાની અસર પંચમહાલ જીલ્લામાં બીજા દિવસે પણ ગ્રામ્ય વિસ્તારોમાં અંધાર પટ

  • જાગૃત ગ્રામજન દ્વારા વીજ કચેરીએ જાણ કરવામાં આવી હોવા છતાં વીજ પુરવઠો શરૂ થયો નહી.
  • વીજ કચેરીની ઢીલી કામગીરી ના કારણે અનેક ગામોમા વીજ સમસ્યાથી વીજ ઉપભોક્તાઓ હેરાન પરેશાન.
  • વીજ કચેરીના ગ્રાહક સહાયતા કેન્દ્ર ખાતે દિવસ દરમિયાન વીજ સમસ્યાની વધુ ફરિયાદો.

શહેરા,
શહેરા તાલુકાના વાંટાવછોડા ગામના ગ્રામજનો બે દિવસથી અંધારામાં જીવન જીવી રહ્યા છે. પવન સાથે આવેલા વરસાદના કારણે ગામમાં લાઈટો બંધ થઈ જતા ગામના જાગૃત ગ્રામજન દ્વારા વીજ કચેરીએ જાણ કરવામાં આવી હોવા છતાં વીજ પુરવઠો શરૂ થયો નહી હતો.વીજ કચેરીની ઢીલી કામગીરી ના કારણે અનેક ગામોમા વીજ સમસ્યાથી વીજ ઉપભોક્તાઓ હેરાન પરેશાન છે.
શહેરા તાલુકાના વાંટાવછોડા ગામમાં ૧૦૦ ઉપરાંત ઘરો આવેલા છે. આ ગામમાં પવન સાથે આવેલા વરસાદના કારણે પાછલા બે દિવસથી લાઈટ નહી હોવાથી ગામમાં અંધારપટ છવાયો છે. ગામના જાગૃત નાગરિક દ્વારા એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે જાણ કરવા છતાં વીજ પુરવઠો શરૂ થયો નહી હતો. ગ્રામજનો ને રાત્રી એ પણ અંધારામાં રહેવાનો વારો આવતા એમ.જી.વી.સી.એલ તંત્ર સામે આક્રોશ જોવા મળી રહયો હતો. હાલ તો ગ્રામજનો અંધારૂ થતાં પહેલા પરિવાર સાથે જમી લેતા હોય છે. જો મોડું થઈ જાય તો ચીમની ના અજવાળે જમવાનું જમતા હોય છે. સાથે મોબાઈલ ચાર્જ ન થતા શહેરા કે નજીકના ગામમાં મોબાઈલ ચાર્જ કરવા જવું પડતુ હોય છે. આ ગામ ના વીજ ઉપભોક્તાઓ ગુલાબસિંહ તેમજ જેસિંગભાઈ સહિતનાઓ જણાવી રહ્યા છે કે અમારા ગામ માં બે દિવસથી લાઈટ નહી હોવાથી અમારે અંધારામા રહેવું પડવા સાથે મોબાઈલ ચાર્જ કરવા બીજા ગામમાં જવું પડે છે. વીજ કચેરી એ જાણ કરી તો લાઈટ આવી જશે તેમ કહેતા હોય છે. અન્ય દિવસોમાં પણ લાઈટ છાશવારે બંધ રહેતી હોય છે, વાંટાવછોડા ગામ સહિત તાલુકાના અનેક ગામોમાં પાછલા બે દિવસથી વીજ ઉપભોક્તાઓ વીજ સમસ્યાથી હેરાન પરેશાન છે. જ્યારે વીજ કચેરી દ્વારા શહેરામાં મંગળવારના રોજ વીજ પુરવઠો બંધ રાખીને વીજ લાઈન સહિતની જ‚રી કામગીરી કરવામાં આવતી હોય તેમ છતાં વીજ સમસ્યા છાશવારે સર્જાતી હોય છે. MGVCLતંત્ર નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વીજ સમસ્યા હલ કરવામા નિષ્ફળ નીવડી રહયું હોય તેવા અનેક સવાલો વીજ ઉપભોક્તાઓ માંથી ઉઠી રહયા છે. વીજ કચેરીના ગ્રાહક સહાયતા કેન્દ્ર ખાતે દિવસ દરમિયાન વીજ સમસ્યાની વધુ ફરિયાદો આવી રહી હોય ત્યારે એમજીવીસીએલ તંત્રના અધિકારીઓ તાલુકાના વિસ્તારમાં નિયમિત વીજ પુરવઠો મળી રહે તે માટેની કામગીરી કરે જેથી આવનાર ચોમાસામાં વીજ ઉપભોક્તાઓને અંધારામાં રહેવાની નોબત આવે નહી.

કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાતા રાબેતા મુજબ વિજ પુરવઠો મેળવવા નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત.

પંચમહાલ જીલ્લામાં તાઉ તે વાવાઝોડાની અસર થી જીલ્લા તંત્રની સાવચેતી હોવા છતાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો અને વિજ પોલને નુકશાન થતાં વિજ પુરવઠો ખોરવાયો હતો. કાલોલ તાલુકાના મલાવ, રાબોડ, સાલીયા, અલવા વગેરે જેવા ગામોમાં વિજ પુરવઠો રેગ્યુલર નથી. સાધારણ પવન કે વરસાદમાં વિજ પુરવઠો ખોરવાઇ જતો હોવાનો ગ્રામજનો એ આક્ષેપ કર્યો હતો. વિજ પુરવઠો ખોરવાતા મલાવ વિસ્તારના આસપાસના ગામડાઓમાં અંધેરપટ થઈ જતું હોય છે. ખેડુતોને પણ અનેક મુશ્કેલીઓ સર્જાતી જોવા મળી રહી છે. હાલ કોવિડ-૧૯ સેન્ટરો પર પણ ખોરવાયેલા વિજ પુરવઠાના કારણે દર્દીઓને મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. આજ વિસ્તારમાં હેલ્થ સેવા, ર્ડાકટર્સ, હોસ્પિટલ જેવા ધંધામાં પણ નુકશાનની માઠી અસર જોવા મળી છે. જેથી આ વિસ્તારમાં સમયસર વિજ પુરવઠો મળી રહે તે માટે દરેક ગ્રામ પંચાયત દ્વારા કાલોલ નાયબ કાર્યપાલ ઇજનેરને લેખિત રજુઆત કરી હતી.

ગોધરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તારમાં તોકતે વાવાઝોડાની ગંભીર અસર ખેતીને ભારે નુકશાન

સમગ્ર રાજ્યમાં વિપરીત અસર કરનાર વાવાઝોડા એ ગોધરા તાલુકાના પશ્ર્ચિમ વિસ્તાર ને પણ મોડી સાંજે બાનમાં લીધો હતો અને ગત સાજે પાંચ વાગ્યા થી રાત્રીમાં બાર વાગ્યા સુધી ભારે પવન ફૂંકાયો હતો. આશરે ૮૦ કી.મીની ઝડપે પવન અને સાથે વરસાદના કારણે પંથકના નદીસર સહિત આસપાસના ગામોમાં તૈયાર થઇ ને કાપણની રાહ જોતા તલ, બાજરી ના પાક ની વાવાઝોડા એ સોથ વાડી દીધી હતી. જયારે ઘણા ખેડૂતો નો પાક ખેતર માં કાપેલી હાલતમાં હતો. ખેડૂતો ના જણાવ્યા મુજબ વરસાદના વાવાઝોડાના કારણે પાકમાં ખૂબ નુકશાન થયું છે અને બાજરીનો પાક કાળો પડી જવાની પુરે પુરી શક્યતા છે. જયારે તલનો પાક આટલા વધુ પ્રમાણમાં વરસાદ ના કારણે કહોવાઈ જાય તેવી ભીંતી છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી ખેડૂતો ને વળતર મળવું જોઈએ તેવી માંગ ઉઠી છે.
વાવાઝોડા ના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યા બંધ સ્થળે વૃક્ષો પડવાના બનાવો બન્યા હતા. નદીસર મોરવા માર્ગ પર ઉજળા પાસે બાવળનું તોતિંગ વૃક્ષ રોડ પર પડતાં વાહન વ્યવહાર અટકાઈ ગયો હતો. આ તરફ વીજળી ડૂલ થતા સમગ્ર વિસ્તારમાં તમામ ખાનગી કંપનીના મોબાઈલ ટાવર બંધ થતાં સમગ્ર પંથકનો સંદેશાવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. સતત ભારે પવન અને વરસાદને લઈ ને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજામાં ગભરાટ ફેલાયો હતો.