
ટાટા ગ્રુપ ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં મંદિરોનું મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે. ૬૫૦ કરોડના ખર્ચે આ મ્યુઝિયમ બનાવવામાં આવશે.તેના પ્રસ્તાવને ઉત્તર પ્રદેશ સરકારની કેબિનેટે મંજૂરી આપી હતી.ઉત્તર પ્રદેશના પર્યટન મંત્રી જયવીર સિંહે કહ્યું કે ટાટા ગ્રૂપને મ્યુઝિયમ ઑફ ટેમ્પલ્સ માટે ૧ રૂપિયાની ટોકન રકમ પર જમીન ૯૦ વર્ષ માટે લીઝ પર આપવામાં આવશે. આ મ્યુઝિયમ અત્યાધુનિક હશે અને આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે બનાવવામાં આવશે. મ્યુઝિયમમાં ભારતના પ્રખ્યાત મંદિરોના સ્થાપત્ય અને ઈતિહાસ વિશેની માહિતી પ્રદર્શિત કરવામાં આવશે.ટાટા ગ્રુપ પોતાના વતી આ મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે. મંદિરોનું આ મ્યુઝિયમ બનાવવા માટે ટાટા ગ્રુપ ૬૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ કરવામાં આવશે. રાજ્ય સરકારે કહ્યું કે ટાટા જૂથે કેન્દ્ર સરકાર દ્વારા અયોધ્યા માં આ મ્યુઝિયમ બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
આ મ્યુઝિયમ અંગેનો પ્રસ્તાવ ગયા વર્ષે પ્રથમ વખત સામે આવ્યો હતો. જે બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના વરિષ્ઠ અધિકારીઓને આ પ્રોજેક્ટ વિશે વિગતવાર જણાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પ્રોજેક્ટ અંગે અગાઉથી જ જાણ કરવામાં આવી હતી. મંદિર મ્યુઝિયમનો આ પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ પસંદ આવ્યો હતો.સૂચિત મ્યુઝિયમમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકારે ટાટા ગ્રુપને અયોધ્યા શહેરમાં અન્ય વિકાસ કાર્યો માટે પણ મંજૂરી આપી હતી. ટાટા ગ્રૂપ દ્વારા શહેરમાં અન્ય વિકાસ કામો પર રૂ. ૧૦૦ કરોડનું વધારાનું રોકાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશનું અયોધ્યા શહેર ધાર્મિક પર્યટનના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં રામ મંદિરના ઉદ્ઘાટન બાદ શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.