લીમખેડા નગરમાં રાત્રીના સમયે છેલ્લા કેટલાક દિવસોથી ચોરી કરવાના ઈરાદે તસ્કરો આવતા હોવાની માહિતી સામે આવતા દાહોદ પોલીસ એક્શન મોડમા આવી છે. એલસીબી પોલીસે લીમખેડામાં થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરુ કર્યુ છે.
દાહોદ જિલ્લામા હાલ તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેવો માહોલ સર્જાયો છે, રાતનું અંધારુ પડતાની સાથે ચોરી કરવાના ઈરાદે આવતી તસ્કર ટોળકી સક્રિય બનતી હોવાની ઘટનાઓ પ્રકાશમા આવી છે, તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી રહી હોવાનું સામે આવતા લીમખેડા પોલીસ સતર્ક બનીને નગર સહિત આસપાસના વિસ્તારોમા નાઈટ પેટ્રોલીંગ વધારી દેવામા આવતા લીમખેડા નગરમા તસ્કરોના ચોરી કરવાના મનસુબા સફળ થયા નથી. ચોરી કરવાના ઈરાદે આવતા તસ્કરોને ઝડપી પાડવા લીમખેડા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર સંદિપ વસાવા દ્વારા પોલીસ સ્ટાફના માણસો સાથે રાત્રી દરમિયાન સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે, ત્યારે હવે આવા તસ્કરોને ઝડપી પાડવા દાહોદ એલસીબી પોલીસ પણ એક્શન મોડમા આવી છે.
લીમખેડામાં ચોરીની ઘટનાઓ ન બને અને તસ્કરોને ઝડપી પાડવા આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ શરુ કર્યો છે. એલસીબી પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.ગામેતીએ થર્મલ ઈમેજ નાઈટ વિઝન હાઈટેક ડ્રોન કેમેરાથી સમગ્ર લીમખેડા વિસ્તારમા સર્વેલન્સ કરી રાત્રી દરમિયાન તસ્કરોની ગતિવિધિઓ પર ડ્રોન કેમેરા મારફતે બાજ નજર રાખી રહી છે. પોલીસ દ્વારા થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન મારફતે લીમખેડા નગરના તમામ વિસ્તારમાં ડ્રોન મારફતે નજર રાખવામા આવી રહી છે. સાથે એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમો તસ્કરોને ઝડપી પાડવા સક્રિય બની છે, ચોરી કરવાના ઈરાદે આવતા તસ્કરો ઝડપાઈ જશે તેવી આશા લોકો વ્યક્ત કરી રહ્યા છે.