
જામનગર, ફરી એક વખત તસ્કરો એ મંદિરને નિશાન બનાવ્યું છે. ભક્તોએ પોતાની શ્રદ્ધાથી ભગવાનને અર્પણ કરેલ વસ્તુની ચોરી થતાં સમગ્ર પંથકમાં રોષની લાગણી પ્રવર્તી છે. જામનગરના કાલાવડ તાલુકામાં આવેલા ખરેડી ગામે ચોરો એ ખરડેશ્ર્વર મંદિરને નિશાન બનાવી અડધા લાખની ચોરીને અંજામ આપ્યો છે. જેમ ભગવાન મહાદેવની ત્રીજી આંખ છે, તેમ ગુના આચરતા લોકો પર નજર રાખવા અને તેઓને જેલ હવાલે કરવા પોલીસ માટે પણ ત્રીજી આંખ ગણાતા CCTV માં સમગ્ર ઘટના કેદ થઇ હતી. જેમાં બહારના માર્ગ પર ચોરી કરતા શખ્સો દ્રશ્યમાન થતા હતા.
પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ખરડેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલું છે. રાત્રીના સમયે અજાણ્યા શખ્સ દ્વારા મંદિરને નિશાન બનાવ્યું હતું. જેમાં મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ ફરતે બે કિલો ચાંદીથી ભક્તોએ ચડાવેલા થરૂની ચોરી કરવામાં આવી છે. આ થરૂ શિવલિંગ ફરતે ફીટ કરવામાં આવ્યું હતું જો કે, તસ્કરો એ ધારદાર હથિયારથી આ થરૂ શિવલિંગમાંથી ઉખાડી ચોરી કરીને લઇ ગયા છે. આ થરૂની અંદાજીત કિંમત ૫૨ હજારની આસપાસ થાય છે. આ મામલે મંદિરમાં સેવા પૂજા કરતા કપિલ માહરાજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બીજી બાજુ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. CCTVમાં દેખાઇ રહ્યું છે કે રાત્રીના દોઢથી બે વાગ્યાની વચ્ચે બે અજાણ્યા શખ્સો દેખાઇ રહ્યા છે. આ શખ્સોએ જ ચોરીને અંજામ આપ્યાનું પ્રથમ નજરે દેખાઈ રહ્યું છે. હાલ પોલીસે પુજારીની ફરિયાદ અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.