તસ્કરોએ મંદિરને પણ ન છોડ્યું:કઠલાલના ભાટેર ગામે બે મંદિરોમાં તસ્કરો ઘૂસ્યાં, ચાંદીના મુગટ, ત્રિશુલ, છત્ર સહિત દાન પેટી તોડી ૧ લાખથી વધુનો મુદ્દામાલ ઉઠાવી ગયા

નડિયાદ,ખેડા જિલ્લામાં ચોરીની ઘટના સામાન્ય બની છે. મકાન, દુકાન સહિત જાહેર સ્થળોએ ચોરીની ઘટના બને છે તો હવે તસ્કરોએ મંદિરોને પણ નિશાન બનાવી ચોરી કરી રહ્યા છે. કઠલાલના ભાટેરા ગામે દૂધની ડેરી પાસે બે નજીક નજીકના અંતરે આવેલા મંદિરોમાં તસ્કરોએ ઘૂસી ચોરીને અંજામ આપ્યો છે. ચાંદીના મુગટ, ત્રિશુલ, છત્ર સહિત દાન પેટી તોડી કુલ રૂપિયા ૧ લાખ ૫ હજારના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો છું થયા છે. સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવીમા કેદ થઈ છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

કઠલાલ તાલુકાના ભાટેરા ગામે દૂધની ડેરી પાસે આવેલા ખોડિયાર મંદિર અને રામદેવપીર મંદિરમાં ચોરીની ઘટના બની છે. ગત ૨૫મી માર્ચની રાત્રે તસ્કરોએ આ મંદિરોના દરવાજાના તાળા તોડી મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના મુગટ, માતાજીનુ ત્રિશુળ, ચાંદીના છત્તર, દાન પેટીમાંથી રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧ લાખ ૫ હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે. બીજા દિવસે મંદિરોના પૂજારી પૂજા કરવા આવતાં સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ બાદ મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બે તસ્કરો મધરાતે ચોરી કરવા આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. આ બનાવ મામલે યોગેશકુમાર રણછોડભાઈ પટેલે કઠલાલ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન જ મંદિરમાં ચોરી થતા ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ સામે રોષ વ્યક્ત કર્યો છે.