તરસેમ સિંહ હત્યાકાંડનો શાર્પશૂટર પોલીસ એન્કાઉન્ટર માં ઠાર, બીજો આરોપી ફરાર

હરિદ્વાર, ઉત્તરાખંડના ઉધમ નગર સિંહમાં નાનકમત્તા ગુરુદ્વારાના ડેરા કારસેવાના વડા બાબા તરસેમ સિંહની હત્યાનો એક આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. વાત જાણે એમ છે કે, મોડી રાત્રે ઉત્તરાખંડ STF અને હરિદ્વાર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં તેનું મોત થયું હતું. જ્યારે બીજો આરોપી ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને તેની શોધખોળ ચાલી રહી છે. તરસેમ સિંહને પંજાબ અને તરાઈમાં શીખોના નેતા માનવામાં આવતા હતા. તેમની હત્યાની જવાબદારી તરનતારનના મિયાવિંદ ગામના રહેવાસી સરબજીત સિંહે લીધી હતી.

રિપોર્ટ અનુસાર તરસેમ સિંહને ગોળી મારનાર અમરજીત સિંહને ઉત્તરાખંડ એસટીએફ અને હરિદ્વાર પોલીસે ભગવાનપુર વિસ્તારમાં એન્કાઉન્ટરમાં માર્યો હતો. અમરજીત સિંહનો બીજો સહયોગી ફરાર છે STF અને પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. હરિદ્વારના એસએસપી પરમિન્દર ડોવલે જણાવ્યું કે, હરિદ્વારના ભગવાનપુરમાં એસટીએફ પોલીસ અને શાર્પશૂટર અમરજીત સિંહ ઉર્ફે બિટ્ટુ વચ્ચે એન્કાઉન્ટર થયું જેમાં મુખ્ય આરોપી માર્યો ગયો. અમરજીત વિરુદ્ધ ૧૬ થી વધુ કેસ નોંધાયા હતા.

ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમારે કહ્યું કે, તરસેમની હત્યા બાદ પોલીસ અને એસટીએફ સતત બંને આરોપીઓને શોધી રહી છે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડમાં આવા જઘન્ય અપરાધો કરનારાઓ સાથે પોલીસ કડક કાર્યવાહી કરશે. વિગતો મુજબ ૨૮ માર્ચે બંને હુમલાખોરોએ તરસેમ સિંહની ગોળી મારી હત્યા કરી હતી. તેમને ખૂબ જ નજીકથી ગોળી વાગી હતી. ઘટના સમયે તરનતારનનો રહેવાસી સરબજીત સિંહ બાઇક ચલાવી રહ્યો હતો, જ્યારે અમરજીત સિંહ ઉર્ફે બિટ્ટુ તેની પાછળ બેઠો હતો. આ હત્યા કેસમાં અમરજીત સિંહને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. અમરજીત સિંહે જ તરસેમ સિંહ પર ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ અમરજીતે સૌથી પહેલા તરસેમ સિંહ પર ગોળી ચલાવી હતી. જે બાદ બાઇક પલટી મારીને તેને બીજી વખત ગોળી મારી હતી. ગોળીબાર કર્યા બાદ બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ પછી તરસેમ સિંહને ડેરા સેવાદાર ખાતિમા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ અહીં પહોંચતા પહેલા જ તેનું મોત થઈ ગયું. બાબા તરસેમ સિંહ પંજાબ, ઉત્તરાખંડ અને ખાસ કરીને તરાઈ પ્રદેશમાં શીખોનો મોટો ચહેરો હતા. આ કેસમાં પોલીસે સરબજીત સિંહ અને અમરજીત સિંહ સિવાય શ્રી નાનકમત્તા સાહિબના પ્રમુખ હરબંસ સિંહ ચુગ, ખેમપુર ગદરપુરના રહેવાસી પ્રિતમ સિંહ સંધુ અને જથેદાર બાબા અનૂપ સિંહને પણ આરોપી બનાવ્યા છે.