મુંબઇ, બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુએ લગ્ન કરી લીધા છે. જી હા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રીએ હાલમાં ઉદયપુરમાં બોયફ્રેન્ડ બેડમિન્ટન પ્લેયર મૈથિયાસ સાથે લગ્ન કર્યા છે.આ લગ્ન શનિવાર ૨૩ માર્ચના રોજ થયા છે. તેમણે આ લગ્નમાં તેમના પરિવારના કેટલાક સભ્યો તેમજ અંગત લોકોને જ બોલાવ્યા હતા. જેમાં અનુરાગ કશ્યપ અને પાવેલ ગુલાટી પણ સામેલ છે.
બોલિવુડ સેલિબ્રિટીઓને લગ્નમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. શાહરુખ ખાનની સાથે ડંકીમાં જોવા મળેલી તાપસીએ તેમના લગ્નમાં ડાયરેક્ટર અને મિત્ર અનુરાગ કશ્યપને જ બોલાવ્યા હતા. તેમજ થપ્પડના કો સ્ટાર પાવેલ ગુલાટી પણ મહેમાનોની લિસ્ટમાં સામેલ હતો. અનુરાગ કશ્યપ અને તાપસી ખુબ સારા મિત્રો છે.
પાવેલ ગુલાટીએ લગ્નનો એક ફોટો શેર કર્યો છે. જેમાં કોમેડિયન અને અભિનેતા અભિલાષા થપિયાલ પણ જોવા મળી રહ્યો છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન બાદ તાપસી ટુંક સમયમાં બોલિવુડ સ્ટાર માટે મુંબઈમાં એક પાર્ટીનું આયોજ કરશે. લગ્નના રિસેપ્શનની જાહેરાત ટુંક સમયમાં થશે.
તાપસી પન્નુ અને બેડમિન્ટન ખેલાડી મૈથિયાસ બોય અંદાજે ૧૦ વર્ષથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. તાપસી અને મૈથિયાસ પહેલી વખત ૨૦૧૩માં ઈન્ડિયન બેડમિન્ટન લીગના ઉદ્ધાટન સમારોહમાં મળ્યા હતા. પરંતુ ક્યારે પણ બંન્ને તેમના સંબંધો વિશે જાહેરમાં કશું કહ્યું નથી.