તાપીમાં દોઢ વર્ષની બાળકીની હત્યા:પિતાએ માસૂમ બાળકીને પાણીની ટાંકીમાં નાખી મોતને ઘાટ ઉતારી, આરોપીની ધરપકડ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની જ દોઢ વર્ષની માસૂમ દીકરીની હત્યા કરી નાખી છે. આરોપી પિતાએ બાળકીને પાણીની ટાંકીમાં ડુબાડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પિતાએ દોઢ વર્ષની દીકરીની હત્યા કરી તાપીના સોનગઢમાં પિતાએ પોતાની દોઢ વર્ષની દીકરીને પાણીના ટાકામાં નાખી હત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસે આરોપીને શોધવાની તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી ગણતરીના કલાકોમાં જ આ કેસને ઉકેલી નાખ્યો હતો. આ ઘટનાની તપાસમાં સામે આવ્યું કે બાળકીની હત્યા તેમના પિતા વિરલ ગામીતે જ કરી છે.

આ ઘટનામાં પોલીસના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારના જણાવ્યા અનુસાર, 25 જાન્યુઆરીના રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં કુકડાડુંગરી ગામમાં આરોપી વિરલ ગામીતે પોતાની દોઢ વર્ષની દીકરીને ધાબા પર રહેલી પાણીની ટાંકીમાં નાખીને હત્યા કરી છે. પ્રાથમીક તપાસમાં ઘરકંકાસ ના કારણે હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ આરોપી પિતાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો છે, જ્યાંથી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ મામલે પોલીસ હાલ હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. એક પિતા દ્વારા પોતાની જ માસૂમ દીકરી સાથે આવી ક્રૂરતા આચરવામાં આવી હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.