
તાપી, તાપીમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યાના મામલો સામે આવ્યો છે. કુંભીયા ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટની હત્યા કરાયેલી લાશ કોસંબિયા ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાલોડ પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સુરત મોકલ્યો છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, વાલોડ પોલીસ અને એલસીબીએ આ કેસમાં એક શકમંદની પૂછપરછ પણ આદરી છે.
તાપીના કુંભીયા ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર સુધીર ઉર્ફે પીન્ટુ ચૌધરીની હત્યા કરેલી લાશ કોસંબિયા ગામની સીમમાંથી મળી આવી છે. આ મામલે જાણ થતા વાલોડ પોલીસ અને એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો લઈ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે સુરત મોકલ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, સુધીરભાઈ ચૌધરીની અજાણ્યા ઇસમો દ્વારા ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. હત્યાના પુરાવા નાશ કરવા અને હત્યા કરેલી લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારાઓ નાસી છૂટ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
માહિતી મુજબ, આ મામલે વાલોડ પોલીસ અજાણીયા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વાલોડ પોલીસ અને તાપી એલસીબીની ટીમ દ્વારા આ કેસમાં એક શકમંદની પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. જો કે,આરટીઆઇ એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર સુધીર ઉર્ફે પીન્ટુ ચૌધરીની હત્યા કેમ કરવામાં આવી તે પાછળનું કારણ હાલ પણ અકબંધ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.