તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં, થપ્પડો મારી દુષ્કર્મ આચર્યા બાદ મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના જ રણજિત પરમાર નામના શખ્સે તાંત્રિક વિધિના બહાને એક મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેણી મજૂરી કામ કરતી હતી, ત્યારે રણજિત પરમાર સાથે મુલાકાત થઈ હતી. મહિલાએ ઘરમાં સુખ-શાંતિ અને ધંધા-રોજગારમાં વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કૃત્ય આચર્યા બાદ 10 મિનિટમાં જ ભાગી છૂટ્યો ગત શુક્રવારે રાત્રે 10 વાગ્યે આરોપી રણજિત પરમાર મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેણે દીવો પ્રગટાવ્યા બાદ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને મહિલાને થપ્પડો મારી હતી. આરોપીએ મહિલા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું અને જો કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કૃત્ય આચર્યા બાદ આરોપી 10-15 મિનિટમાં જ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ભોગ બનનાર મહિલાએ આ ઘટનાની જાણ તેના જેઠાણી અને પતિને કરી હતી, જેમણે તેને હિંમત આપી હતી. મહિલાએ પ્રથમ કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી અને ત્યારબાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રણજિત પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઘરની શાંતિ માટે તાંત્રિક વિધિ કરાવી આ મામલે ડીવાયએસપી દિનેશ કોળિયાતરે જણાવ્યું હતું કે, પંચાળા ગામે એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. જેમાં પંચાળા ગામની એક મહિલા અને તેના પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા, ઘરમાં અશાંતિ રહેતી હતી અને ધંધા રોજગાર ચાલતા ન હતા. જેથી તેમને જાણવા મળેલ કે પંચાળા ગામના જ રણજિત પરમાર નામનો વ્યક્તિ તાંત્રિક વિધિ કરે છે. આ વિધિ કરવાથી ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે. આ વાતોમાં આવી જઈ ભોગ બનનાર મહિલાએ તાંત્રિક વિધિ કરનાર રણજિત પરમારનો સંપર્ક કર્યો હતો.

શારીરિક અડપલાં બાદ થપ્પડો મારી રણજિતે મહિલાને કહ્યું હતું કે, આજે રાત્રે હું ઘરે આવી તાંત્રિક વિધિ કરી આપીશ. જેથી તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે. ત્યારે શુક્રવારની રાત્રે મહિલાના પતિ તેના ઘરે ન હતા તે સમયે રણજિત પરમાર નામનો ઈસમ તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના ઘરે ગયો હતો. રણજિતે તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાના ઘરનો દરવાજો બંધ કરી મહિલા સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો, ત્યારે મહિલાએ વિરોધ નોંધાવતા રણજિતે મહિલાને થપ્પડો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

જેઠાણી અને પતિએ મહિલાને હિંમત આપી આ સમગ્ર હકીકત મહિલાએ તેની જેઠાણી અને પતિને જણાવતાં તેની જેઠાણી અને પતિએ મહિલાને હિંમત આપી, મહિલાએ કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી અને મહિલાએ તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજારનાર રણજિત પરમાર નામના ઈસમ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.