તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ પ્રધાનને હાઈકોર્ટે ૩ વર્ષની જેલની સજા ફટકારી

મદ્રાસ હાઈકોર્ટે ગુરુવારે તામિલનાડુના ઉચ્ચ શિક્ષણ પ્રધાન કે. પોનમુડીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે તેઓ ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠર્યા અને મંત્રી પદ પણ ગુમાવ્યું. મળતી માહિતી અનુસાર, હાઇકોર્ટના જસ્ટિસ જી. જયચંદ્રએ પોનમુડીની પત્ની પી. વિશાલાક્ષીને પણ દોષિત જાહેર કરતા બંનેને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. જજે પોનમુડી અને તેના પત્ની પર 50-50 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. હાઈકોર્ટે આ કેસમાં મંત્રી અને તેમની પત્નીને પહેલા જ દોષિત ઠેરવીને આજે સજા સંભળાવી હતી.

દોષિતોના વરિષ્ઠ વકીલ એન.આર. એલાન્ગોએ તેમને(દોષિતો) સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરવા સક્ષમ બનાવવા માટે રજા મંજૂર કરવા અને સજાને સ્થગિત કરવા માટે કોર્ટને વિનંતી કરી હતી. જેના પર જજે 30 દિવસની રજા મંજૂર કરી અને 30 દિવસની સજા પણ સ્થગિત કરી છે. ન્યાયાધીશે કહ્યું કે, સસ્પેન્શનનો સમયગાળો પૂરો થવા પર તેણે વિલ્લુપુરમની ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવું પડશે.

કાનૂની નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, મંત્રી પોનમુડી દોષિત ઠર્યા બાદ અને જેલની મુદત બાદ ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠર્યા છે અને તેમણે મંત્રી પદ પણ ગુમાવ્યું છે. પોનમુડી સ્ટાલિન સરકારના પ્રથમ મંત્રી છે જેમને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. મંત્રીને 2 વર્ષથી વધુની સજા થઈ હોવાથી તેમનું વિધાનસભાનું સભ્યપદ આપોઆપ રદ થયું છે. મંત્રીની સજાને તમિલનાડુના સીએમ સ્ટાલિન માટે ફટકો માનવામાં આવી રહ્યો છે. હવે મંત્રીની બેઠક પર પેટાચૂંટણી યોજાવાની નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે, છ મહિનામાં મંત્રીની સીટ પર પેટાચૂંટણી થઈ શકે છે.