
ચેન્નાઇ, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ મંત્રી વી સેંથિલ બાલાજીને બરતરફ કરવાના આદેશને આગળની સૂચના સુધી મુલતવી રાખ્યો છે અને એટર્ની જનરલ સાથે પરામર્શ કરવા જણાવ્યું છે.થોડા કલાકો પહેલાં જ રાજ્યપાલે મંત્રી વી. સેન્થિલ બાલાજીને નોકરી બદલ રોકડ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કર્યા પછી મંત્રીને બરતરફ કર્યા હતા.
રાજભવને એક સત્તાવાર રિલીઝમાં જણાવ્યું હતું કે સેંથિલ બાલાજી ભ્રષ્ટાચારના અનેક કેસોમાં ગંભીર ફોજદારી કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે, જેમાં નોકરીના બદલામાં રોકડ લેવા અને મની લોન્ડરિંગનો સમાવેશ થાય છે. મંત્રી તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને તેઓ તપાસમાં અવરોધ ઉભો કરી રહ્યા છે અને કાયદા અને ન્યાયની યોગ્ય પ્રક્રિયામાં અવરોધ ઉભો કરી રહ્યા છે. તે હાલમાં એક ફોજદારી કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે, જેની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ સંજોગોમાં રાજ્યપાલે સેંથિલ બાલાજીને તાત્કાલિક અસરથી મંત્રી પરિષદમાંથી બરતરફ કરી દીધા છે. રાજ્યપાલના આ આદેશ બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું હતું કે સરકાર તેને કાયદાકીય રીતે પડકારશે. મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે રાજ્યપાલ રવિને કેબિનેટમાંથી કોઈપણ મંત્રીને બરતરફ કરવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે સરકાર આ મુદ્દાને કાયદાકીય રીતે પડકારશે.