તામિલનાડુમાં પતંગના માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો

ચેન્નાઈ, તામિલનાડુની સરકારે પતંગ ચગાવવા માટે વપરાતા માંજા (દોરી)ના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધનો ભંગ કરનારને પર્યાવરણ કાયદા અંતર્ગત દંડ ફટકારવામાં આવશે. સરકારે નાઈલોન, પ્લાસ્ટિક કે બીજી કોઈ પણ સિન્થેટિક સામગ્રી વડે બનાવવામાં આવેલા માંજા પર પ્રતિબંધ મૂક્યો છે.રાજ્ય સરકારનો દાવો છે કે ઉક્ત પ્રકારના માંજાને કારણે ઘણી વાર માનવીઓને, જનાવરોને, ખાસ કરીને પક્ષીઓને ઈજા થાય છે.કેટલીક વાર મૃત્યુ પણ થાય છે. એવી ઈજા અને મરણને રોકવા માટે સરકારે માંજાના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.

આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. સરકારી ઓર્ડરમાં વધુમાં જણાવાયું છે કે મકરસંક્રાંતિ ઉત્સવ તેમજ પતંગ ચગાવવાની અવારનવાર યોજવામાં આવી સ્પર્ધાઓ દરમિયાન કપાયેલી પતંગ અને માંજો જમીન પર પડે છે, ઘણી વાર એમને એમ જ પડ્યા રહે છે. માંજામાં વપરાતું પ્લાસ્ટિક મટીરિયલ લાંબા સમય સુધી નાશ પામતું નથી. વળી, તે નોન-બાયોડીગ્રેડેબલ હોવાથી પર્યાવરણ માટે જોખમી હોય છે. આવા માંજા ગટર, ગંદા પાણીના નિકાલ માટેની પાઈપલાઈનમાં, નદીઓ, ઝરણાઓમાં ભરાઈ જતા હોય છે. વળી, ગાય કે અન્ય પશુઓ આવા પ્લાસ્ટિક મટીરિયલને ખાદ્યસામગ્રી સમજીને ખાઈ જાય તે પછી એમને ગૂંગળામણ થાય છે. માંજાના સ્પર્શમાં આવવાથી આકાશમાં ઉડતાં પંખીઓને ઈજા થાય છે. એમનું રક્ષણ કરવા માટે સરકારે માંજા પર પ્રતિબંધ મૂકી દીધો છે.