
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ટૂંક સમયમાં તેમના પુત્ર અને રાજ્યના યુવા કલ્યાણ અને રમતગમત પ્રધાન ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રીના પદ પર પ્રમોટ કરી શકે છે.
ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સ્ટાલિન ૨૨ ઓગસ્ટે અમેરિકા જવા રવાના થાય તે પહેલા ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે. જ્યારે સ્ટાલિનના પિતા એમ. કરુણાનિધિ મુખ્યમંત્રી હતા, ત્યારે સ્ટાલિનને ૨૦૦૯માં નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પછી સ્ટાલિન તમિલનાડુના રાજકારણમાં મોટા નેતા તરીકે ઉભરી આવ્યા.
ડીએમકેના સૂત્રોએ જણાવ્યું કે ઉધયનિધિ ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનો ચહેરો બની શકે છે. ડીએમકે પાર્ટી કેડર અને નેતાઓ ઇચ્છે છે કે ઉધયનિધિને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. તેમનું માનવું છે કે આ પગલાથી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થઈ શકે છે.
લોક્સભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવાની તૈયારીઓ થઈ હતી, પરંતુ કલ્લાકુરાચી દારૂની દુર્ઘટનાને કારણે ડીએમકે અને સ્ટાલિને તેમના પુત્ર ઉધયનિધિને નાયબ મુખ્યમંત્રી બનાવવાની યોજના મોકૂફ રાખી હતી. કલ્લાકુરાચી દારૂની દુર્ઘટનામાં ૬૫ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સાથે જ ઉધયનિધિએ પણ સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે.