ચેન્નાઇ,મહેન્દ્ર સિંહ ધોનીના આઇપીએલમાં રમવાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે છેલ્લી સિઝન રમી રહ્યો છે. જોકે ધોનીએ સ્પષ્ટપણે આવું કશું કહ્યું નથી. આ દરમિયાન તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ધોનીને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવાનું ચાલુ રાખવા કહ્યું છે.
સ્ટાલિને ધોનીને તમિલનાડુનો ગોદ લીધેલો પુત્ર ગણાવ્યો હતો. સ્ટાલિને કહ્યું કે હું મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો ફેન છું. મને આશા છે કે તમિલનાડુનો દત્તક પુત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવાનું ચાલુ રાખે. આ નિવેદન સાથે સ્ટાલિને એક રીતે ધોનીને વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ધોનીએ હાલમાં જ ડેની મોરિસન સાથે ટોસ સમયે આઇપીએલમાં રમવા અંગે નિવેદન આપ્યું હતું. ધોનીએ મોરિસનને કહ્યું કે તમે મારી છેલ્લી આઈપીએલ અંગે નિર્ણય લીધો છે, મેં નહીં. આ પછી ધોનીના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ધોની સતત રમતા રહે.
તાજેતરમાં ધોની અને સુરેશ રૈનાની મુલાકાતનો એક ફોટો વાયરલ થયો હતો. આ પછી રૈના તરફથી નિવેદન આવ્યું કે ધોની રમવાનું ચાલુ રાખશે. રૈનાએ કહ્યું કે ધોનીને મળ્યા પછી કહ્યું કે તે રમશે. આવી સ્થિતિમાં માહીની આઈપીએલની અંતિમ સિઝન અંગેની અટકળોનો અંત આવવો જોઈએ. ધોનીને જોવા માટે હજારો ચાહકો સ્ટેડિયમમાં આવે છે.