તમિલનાડુમાં શરમજનક ઘટના, ૨ દલિત યુવકોને માર્યા, નગ્ન કરી પેશાબ કર્યો, નશામાં ચૂર ૬ની ધરપકડ

ચેન્નાઇ, તમિલનાડુના તિરુનવેલીમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. અહીં દલિત સમુદાયના અનુસૂચિત જાતિના બે યુવકો પર કથિતરૂપે હુમલો કરવા અને તેમને નગ્ન કરી તેમના પર પેશાબ કરવાની હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. આ મામલે કુલ ૬ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે આ મામલે ધરપકડ કરાયેલા તમામ લોકો ૨૧ થી ૨૫ વર્ષની વયજૂથના હતા જે ઘટનાના સમયે નશામાં ચૂર હતા. આ તમામ લોકોએ બંને દલિત યુવકોને માર્યા હતા અને તેમને પોતાની જાતિની ઓળખ આપવા મજબૂર કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ૬ લોકોએ જૂથમાં આવીને બંને યુવકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન આરોપીઓએ તેમના કપડાં ઉતરાવી તેમના પર પેશાબ કર્યો હતો. થાચનાલ્લુર પોલીસે કહ્યું કે બંને દલિત યુવક થમિરાબરાની નદીમાં નહાઈને પાછા આવી રહ્યા હતા. અમે આ મામલે એસસી/એસટી એટ્રોસિટી એક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.