તમિલનાડુમાં માર્ગ અકસ્માતમાં ૬ના મોત,પુરપાટ ઝડપે જઈ રહેલી વાન રસ્તાની સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ

ચેન્નાઇ, તમિલનાડુના સલેમ-કોઈમ્બતુર નેશનલ હાઈવે પર વહેલી સવારે લગભગ ૪ વાગે પુરપાટ ઝડપે જઈ રહેલી વાને રસ્તાની સાઈડમાં ઉભેલી એક ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. વાનમાં સવાર આઠમાંથી છ લોકોના મોત થયા હતા.

તામિલનાડુના સલેમમાં ૬ સપ્ટેમ્બર, બુધવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં ૬ લોકોના મોત થયા હતા. આ ઘટનાનો વીડિયો રસ્તાની બાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સલેમ-કોઈમ્બતુર નેશનલ હાઈવે પર એક ટ્રક રસ્તાની સાઈડમાં પાર્ક કરીને ઉભી હતી. આ દરમિયાન વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે પેરુન્થુરાઈ તરફ પુરપાટ ઝડપે જઈ રહેલી એક વાન ટ્રકની પાછળ અથડાઈ હતી.

અકસ્માત સમયે વાનમાં આઠ લોકો હાજર હતા. તમામ ઈરોડ જિલ્લાના ઈગુરના રહેવાસી હોવાનું કહેવાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે વાનના ફુરચા ઉડી ગયા હતા. મૃતકોમાંથી પાંચની ઓળખ સેલ્વરાજ, મંજુલા, અરુમુગમ, પલાનીસામી, પપ્પાથી તરીકે થઈ છે. આ સિવાય એક વર્ષના બાળકનું પણ અકસ્માતમાં મોત થયું હતું.પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.