તમિલનાડુમાં કપડા ધોવાની નજીવી બાબતે ઝઘડો થતાં આર્મીના જવાનને મારી નાખ્યો

ચેન્નાઈ,

તમિલનાડુના કૃષ્ણાગિરિમાં ડીએમકેના કાઉન્સિલર અને તેના સાથીઓએ ભારતીય સેનાના જવાનને એવો નિર્દયતાપૂર્વક માર માર્યો હતો કે તે મૃત્યુ જ પામી ગયો અને આ મામલે કુલ ૬ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ૨૯ વર્ષીય લાન્સનાયક એમ.પ્રભુ પર ડીએમકેના કાઉન્સિલર ચિન્નાસ્વામી અન અન્યએ ઓચિંતો હુમલો કરી તેને ખરાબ રીતે માર માર્યો હતો.

આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં બુધવારે તે મૃત્યુ પામી ગયો. ૮ ફેબ્રુઆરીએ પ્રભુ અને તેના ભાઈ પ્રભાકરણની પોચમપલ્લીના વેલમપટ્ટીમાં નગર પંચાયતની પાણીની ટાંકી નજીક કપડા ધોવા મામલે ડીએમકેના કાઉન્સિલર સાથે ઝઘડો થયો હતો. એ જ દિવસે સાંજે ચિન્નાસ્વામી અને તેના સાથીઓએ કથિતરુપે પ્રભુ અને પ્રભાકરણ પર હુમલો કરી દીધો હતો.

નગરસમપટ્ટી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધ્યો હતો. લેફ્ટનન્ટ કર્નલ એન.ત્યાગરાજને આ મામલે ટ્વિટ કરી હતી કે પોચમપલ્લી વિસ્તારમાં ડીએમકેના કાઉન્સિલર ચિન્નાસ્વામીએ સૈન્યના જવાન પ્રભુને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો જેના બાદ તે મૃત્યુ પામી ગયો. તમિલનાડુના મુખ્યમંત્રી આ મામલે યોગ્ય કાર્યવાહી કરે.