તમિલનાડુમાં જલ્લીકટ્ટુ ખેલ ચાલુ રહેશે:તમિલનાડુમાં ચાલતા પરંપરાગત સાંઢ કે બળદ દોડ એટલે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

  • સરકારે તેને સંસ્કૃતિનો ભાગ માન્યો, અમે અલગ દૃષ્ટિકોણ આપી શકીએ નહીં : સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, સુપ્રિમ કોર્ટે તમિલનાડુમાં ચાલતા પરંપરાગત સાંઢ કે બળદ દોડ એટલે જલ્લીકટ્ટુ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું- સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે સરકારે જલ્લીકટ્ટુને સંસ્કૃતિનો ભાગ જાહેર કર્યો છે તો અમે તેના પર અલગ મત આપી શકીએ નહીં. આ અંગે નિર્ણય લેવા માટે વિધાનસભા શ્રેષ્ઠ સ્થાન છે.

જલ્લીકટ્ટુ સામે પ્રાણીઓની ક્રૂરતાનો હવાલો આપીને કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે જલ્લીકટ્ટુને મંજૂરી આપતા કાયદાને યથાવત રાખ્યો છે. કહ્યું કે ૨૦૧૭માં પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. જેથી હકીક્તમાં પ્રાણીઓને થતી તકલીફમાં ઘટાડો થયો છે.

જસ્ટિસ કેએમ જોસેફ, અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની ૫ જજોની બેન્ચે ૮ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આ કેસની સુનાવણી પૂરી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો. આજે સાડા પાંચ મહિના બાદ ખંડપીઠે ચુકાદો આપ્યો છે.છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને પૂછ્યું હતું કે શું જલ્લીકટ્ટુ જેવી આખલાની રમતમાં કોઈ પ્રાણીનો ઉપયોગ કરી શકાય છે. આના પર સરકારે એફિડેવિટમાં કહ્યું હતું કે જલ્લીકટ્ટુ માત્ર મનોરંજનનું કામ નથી. તેના બદલે, તે મહાન ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધામક મહત્ત્વનો કાર્યક્રમ છે. આ રમતમાં બળદ સાથે કોઈ ક્રૂરતા નથી.

રાજ્ય સરકારે કહ્યું કે પેરુ, કોલંબિયા અને સ્પેન જેવા દેશો પણ બુલફાઇટિંગને તેમના સાંસ્કૃતિક વારસાનો ભાગ માને છે. આ સિવાય સરકારે દલીલ કરી હતી કે જલ્લીકટ્ટુમાં સામેલ બળદોને ખેડૂતો દ્વારા આખું વર્ષ તાલીમ આપવામાં આવે છે જેથી કોઈ જોખમ ન રહે. જલ્લીકટ્ટુ રમત પોંગલના ત્રીજા દિવસે શરૂ થાય છે. જો કોઈ ખેલાડી ૧૫ મીટરની અંદર આખલાને નિયંત્રિત કરવામાં સફળ થાય છે, તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

જલ્લીકટ્ટુની રમતમાં ખેલાડીઓએ બળદને કાબૂમાં લાવવાનું હોય છે. જલ્લીકટ્ટુને એરુ થઝુવુથલ અને મનાકુવિરટ્ટુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રમત પોંગલ તહેવારનો એક ભાગ છે. આ એક એવી રમત છે જેમાં બળદને ભીડમાં છોડવામાં આવે છે અને ખેલાડીઓ તેને નિયંત્રિત કરવાની કોશિશ કરે છે.

વર્ષ ૨૦૧૧માં કેન્દ્ર સરકારે બળદને એવા પ્રાણીઓની યાદીમાં સામેલ કર્યા હતા જેમની તાલીમ અને પ્રદર્શન પર પ્રતિબંધ છે. આ પછી પ્રાણીઓનું રક્ષણ કરતી સંસ્થા પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સએ જલ્લીકટ્ટુ ગેમ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

૨૦૧૪માં સુપ્રીમ કોર્ટે આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી, તમિલનાડુ સરકારે આ રમત ચાલુ રાખવા માટે કેન્દ્ર પાસે વટહુકમ લાવવાની માગ કરી. ૨૦૧૬માં કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને અમુક શરતો સાથે જલ્લીકટ્ટુ યોજવાની મંજૂરી આપી હતી.

શરતો એવી હતી કે સમગ્ર સ્પર્ધાની વિડિયોગ્રાફી થશે, બળદનો મેડિકલ ટેસ્ટ થશે, ડોક્ટરોની ટીમ, ડીસી અને એસએસપી સ્થળ પર હાજર રહેશે. મહારાષ્ટ્રે કેન્દ્રીય કાયદા પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ ૧૯૬૦માં પણ સુધારો કર્યો અને જલ્લીકટ્ટુ અને બળદગાડાની રેસને મંજૂરી આપી.વર્ષ ૨૦૧૧માં કેન્દ્ર સરકારે બળદને એવા પ્રાણીઓની યાદીમાં સામેલ કર્યા હતા જેમની તાલીમ અને પ્રદર્શન પર પ્રતિબંધ છે.

તમિલનાડુ સરકાર દ્વારા રમતગમતના સંગઠનને લઈને બનાવેલા કાયદા વિરુદ્ધ પીઇટીએ ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી. પીઇટીએએ આ કાયદાને રદ્દ કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે પ્રાણીઓ પ્રત્યે આ પ્રકારની ક્રૂરતા ખોટી છે. સુપ્રીમ કોર્ટે પહેલા તો અરજી ફગાવી દીધી હતી, પરંતુ રિવ્યુ પિટિશન દાખલ થયા બાદ સુપ્રીમ કોર્ટ તેની સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ હતી.