તમિલનાડુમાં ભાજપ અને એઆઇએડીએમકે વચ્ચે બ્રેકઅપ!

નવીદિલ્હી, ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. અન્નામલાઈના નિવેદનને લઈને બંને પક્ષો વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. બે સાથી પક્ષો વચ્ચેનો વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે દ્રવિડિયન પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેની ભાજપ સાથે કોઈ ગઠબંધન નથી અને ચૂંટણી સંધિ પર કોઈ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશે.

એઆઇએડીએમકે ના વરિષ્ઠ નેતા ડી જયકુમારે દ્રવિડિયન નેતા સી એન અન્નાદુરાઈની ટીકા કરવા બદલ બીજેપી તમિલનાડુ એકમના પ્રમુખ કે અન્નામલાઈ પર પ્રહાર કરતા કહ્યું કે તેમની પાર્ટીના કાર્યકરો સ્વર્ગસ્થ મુખ્યપ્રધાનનું અપમાન સહન કરશે નહીં. તેમણે કહ્યું કે અન્નામલાઈએ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી જે જયલલિતા સહિત એઆઇએડીએમકે નેતાઓ વિશે ટીકા કરી હતી.

ભાજપ અને તેના રાજ્યના પ્રદેશ પ્રમુખ પર નિશાન સાધતા પૂર્વ મંત્રી જયકુમારે કહ્યું કે અન્નામલાઈ એઆઈએડીએમકે સાથે ગઠબંધન ઈચ્છતા નથી, જો કે ભાજપના કાર્યકરો એવું ઈચ્છે છે. શું આપણે આપણા નેતાઓની ટીકા સહન કરવી જોઈએ? ભાજપ અહીં પગ મુકી શકે તેમ નથી. તમે તમારી વોટ બેંક જાણો છો. તમે અમારા કારણે જાણીતા છો. જયકુમારે કહ્યું કે, અમે હવે પોતાની (નેતાઓ)ની ટીકા સહન કરી શક્તા નથી. જ્યાં સુધી ગઠબંધનની વાત છે, એવું નથી. ભાજપ એઆઇએડીએમકે સાથે નથી. આ અંગેનો નિર્ણય ચૂંટણી દરમિયાન જ લઈ શકાય છે. આ અમારું વલણ છે. એમ પૂછવામાં આવ્યું કે શું આ તેમનો અંગત અભિપ્રાય છે, જયકુમારે કહ્યું, ‘શું મેં ક્યારેય તમારી સાથે તે ક્ષમતામાં વાત કરી છે? પાર્ટી જે નિર્ણય કરે છે તેના પર જ હું વાત કરું છું.