તામિલનાડુ માંથી ચોરાયેલી શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ અમેરિકાના એક સંગ્રહાલય માંથી મળી

રામેશ્ર્વરમ,

તામિલનાડુના રામેશ્ર્વરમ ખાતે આવેલ એક મંદિરમાંથી વર્ષો પહેલા ચોરાઈ ગયેલી શ્રી કૃષ્ણ ભગવાનની આકર્ષક અને મૂલ્યવાન મૂર્તિ અમેરિકાના એક સંગ્રહાલય માંથી મળી આવી છે.

તમિલનાડુ સી આઈડીના અધિકારીઓએ મીડિયા સાથેની વાતચીતમાં આ પ્રકારની માહિતી આપીને એમ કહ્યું હતું કે ૧૯૬૬માં રામેશ્ર્વરમ ખાતે આવેલ રામ સ્વામી મંદિરમાંથી આ મૂર્તિ ચોરાઈ હતી જે અમેરિકાના ઇન્ડિયાનાપોલીસ ખાતેના સંગ્રહાલયમાંથી મળી આવી છે.

હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ વિભાગના કાર્યકારી અધિકારી ની ફરિયાદ પર એડિશનલ પોલીસ વાળા ના નેતૃત્વ હેઠળ રચવામાં આવેલી ટુકડીને આ બાબતની જાણકારી મળી છે અને આ ટુકડીએ એવી માહિતી પણ આપી છે કે આ મંદિરમાંથી કુલ છ જેટલી મૂર્તિઓની ચોરી કરવામાં આવી હતી.

ચાલુ વર્ષના નવેમ્બર માસમાં મંદિરના મુખ્ય સંચાલક દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે મંદિરમાંથી મહત્વની અને ખૂબ જ અમૂલ્ય એવી છ જેટલી મૂર્તિઓ ચોરાઈ ગઈ છે અને અલગ અલગ મુદ્રા વાળી આ મૂર્તિઓ છે.

તામિલનાડુ સી આઈડી ના ડીજીપી જયંત મુરલી એ એવી માહિતી આપી છે કે ૧૯૫૮માં આ મંદિરમાં ધાતુની બહાર જેટલી મૂર્તિઓ હતી અને ૨૦૧૨માં મંદિરના પૂજારીએ મંદિરના મેનેજમેન્ટને ફક્ત છ મૂતઓ સોંપી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે અમેરિકાના આ સંગ્રહાલય દ્વારા મૂર્તિઓની ખરીદી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને સંગ્રહાલયમાં ગોઠવી દેવામાં આવી હતી. હવે આ બારામાં વિશેષ તપાસ આગળ વધારવામાં આવી છે.