ચેન્નાઇ,
તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લા અને ધર્મપુરી જિલ્લામાં જંગલી હાથીઓએ કહેર મચાવ્યો છે. કોઇમ્બતુર જિલ્લામાં જંગલી હાથીઓએ હુમલાની બે અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોને કચડીને મારી નાખ્યા. ધર્મપુરી જિલ્લાના પલાકોડમાં જંગલી હાથી પાકને ભારે નુક્સાન પહોંચાડી રહ્યા છે. જેનાથી વિસ્તારના ખેડૂતોમાં નારાજગી આવી ગઈ છે અને ભારે નુક્સાનનો લોકો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે આ હાથીઓને પકડવામાં આવે. વન વિભાગના સૂત્રોએ કહ્યુ કે તેઓ હાથી પર નજર રાખી રહ્યા છે અને જો જરૂર પડી તો કડક કાર્યવાહી કરશે.
કોઇમ્બતુર જિલ્લાની થડગામ ખીણના મંગરાઈમાં કૃષિ વિસ્તારમાં ગુરૂવારે એક જંગલી હાથીએ મહેશ કુમાર (૩૮ વર્ષ) ને કચડીને મારી નાખ્યા. તો એક અન્ય ઘટનામાં કોઇમ્બતુર જિલ્લાના અનાઈકટ્ટી નજીક એક શંકાસ્પદ હાથીના હુમલામાં ૬૭ વર્ષીય એમ. મારુથચલમ (૬૭ વર્ષ)નું મોત નીપજ્યુ.
આ મામલે વન વિભાગના અધિકારીએ જણાવ્યુ કે તેઓ અનાઈકટ્ટી નજીક કાલકાડૂ ગામના રહેવાસી હતા. તેમનો મૃતદેહ અનાઈકટ્ટી સાઉથ રિઝર્વ ફોરેસ્ટથી લગભગ એક કિમીના અંતરે મળ્યો. વિસ્તારમાં ૩ હાથી હતા પરંતુ એ સ્પષ્ટ નહોતુ કે એક હાથીએ કે ત્રણેયએ તેની પર હુમલો કર્યો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોઇમ્બતુર જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા.
બીજી તરફ તમિલનાડુના ધર્મપુરી જિલ્લાના પલાકોડના ખેડૂત બાલમુરુગન અનુસાર હાથીએ તેમની લગભગ એક એકર કૃષિ જમીનને ખરાબ કરી અને ડાંગરના પાકનો નાશ કરી દીધો, જેની કાપણી થવાની હતી. હાથી જાન્યુઆરી ૨૦૨૩થી છેલ્લા બે મહિનાથી વન વિસ્તારમાં માનવ વસતી નજીક રહી રહ્યો હતો. હાથી ડાંગર અને કેળાના પાકનો નાશ કરી રહ્યો છે.