કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના બાદ માત્ર પશ્ર્ચિમ બંગાળ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રોષ વ્યાપી ઉઠ્યો હતો. પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન મોદીને ફરી એક વખત ચિઠ્ઠી લખી હતી. અગાઉ પણ તેમણે આ મામલે વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી અને હવે ફરીથી તેમણે પત્ર લખીને કહ્યું છે કે, ’દુષ્કર્મની ઘટનાઓ પર કડક કાયદાની જરૂરિયાત અને આવા ગુનાઓના ગુનેગારોને દાખલારૂપ સજા મળે એ સંબંધિત ૨૨ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ મેં લખેલ પત્ર નંબર ૪૪-ઝ્રસ્નો જવાબ મળ્યો નથી.
મુખ્યમંત્રી મમતા બેનરજીએ લખ્યું હતું કે, ’આટલા સંવેદનશીલ મુદ્દે તમારા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. પરંતુ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા એક જવાબ મળ્યો છે, જે મારા પત્રમાં ઉઠાવવામાં આવેલ મુદ્દાની ગંભીરતા પર કેન્દ્રિત નથી. મને લાગે છે કે આ સામાન્ય જવાબ મોકલતી વખતે વિષયની ગંભીરતા યાનમાં નહીં લેવામાં આવી હોય.
ઉલ્લેખનીય છે કે કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના બાદ પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાત્ર લખ્યો હતો અને એક મહત્વની માંગ કરી હતી. મમતા બેનરજીએ દેશમાં દરરોજ થતાં દુષ્કર્મના આંકડાઓનો ઉલ્લેખ કરતાં પત્રમાં લખ્યું છે કે એવો કાયદો બનાવવો જોઈએ કે જે ગુનેગારો માટે ઉદાહરણરૂપ નીવડે. તેમણે માંગ કરી હતી કે પીડિત પરિવારને ૧૫ દિવસમાં ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે.
મૂળ ઘટનામાં કોલકાતાની આર. જી. કાર. હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી એક મહિલા ડૉક્ટરની સેમિનાર હૉલમાં મોડી રાત્રે દુષ્કર્મ બાદ હત્યા કરી નાખવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધી સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી છે અને સંજોય નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેનો પોલિગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય કોલેજ હોસ્પિટલના ડીનની પૂછપરછ કરવામાં આવી છે અને તેઓનો પણ પોલિગ્રાફી ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. બાયૉ મેડિકલ વેસ્ટ સહિત ઘણા મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ પણ ભ્રષ્ટ હોય તે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે. આગામી સમયમાં ઘણા રહસ્યો આ કેસમાં બહાર આવશે એવું લાગી રહ્યું છે.