મુંબઇ, બોલિવૂડ એક્ટર નસીરુદ્દીન શાહના તીખા શબ્દો સાંભળીને લોકો ઘણી વખત ચોંકી જાય છે. તાજેતરમાં જ અભિનેતાએ ’ધ કાશ્મીર ફાઇલ્સ’, ’ધ કેરલા સ્ટોરી’ અને ’ગદર ૨’ જેવી ફિલ્મોની લોકપ્રિયતાને ’પરેશાન કરનાર’ ગણાવી હતી. આ નિવેદન પર વિવેક અગ્નિહોત્રીએ અગાઉ પ્રતિક્રિયા આપી હતી. હવે અભિનેતા નાના પાટેકરે તેમની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે. નાના પાટેકરે ગદર ૨, ધ કેરલા સ્ટોરી અને ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો પર નસીરુદ્દીન શાહની ટિપ્પણીઓ પર તેમના મંતવ્યો શેર કરતાં કહ્યું કે, ’ હું નસીર સાથે બિલકુલ સહમત નથી. નસીરને પૂછો કે રાષ્ટ્રવાદનો અર્થ શું છે. હું નસીરને પૂછવા માંગુ છું, તેમના મતે રાષ્ટ્રવાદની વ્યાખ્યા શું છે? આપણા દલિતો, મુસ્લિમો અને હિંદુઓ બધા રાષ્ટ્રવાદી છે. તમારા દેશ માટે તમારો પ્રેમ દર્શાવવો એ ખરાબ વાત નથી, આ રાષ્ટ્રવાદ છે. ’ આગળ વાત કરતાં એમને કહ્યું હતું કે, ’ હવે ગદર જે પ્રકારની ફિલ્મ છે તો ફિલ્મમાં એવી જ વાત થશે. મેં ધ કેરાલા સ્ટોરી ફિલ્મ જોઈ નથી. નસીરે જે ફિલ્મોમાં કામ કર્યું છે એ તમામ ફિલ્મોના મુદ્દાઓ વિશે મારે નસીર સાથે વાત કરવી જોઈએ? જ્યારે પણ હું કોઈ ફિલ્મ કરું છું ત્યારે મને મારા વિષયો ખબર છે. રાષ્ટ્રવાદના નામે મોટો સોદો કરીને પૈસા કમાવવા એ પણ ખોટું છે. મૂવીમાં વસ્તુઓ જેવી છે તેવી જ બતાવવી જોઈએ. જો ડોક્યુમેન્ટરી હોય તો ડોક્યુમેન્ટરી બતાવો. જ્યારે આપણે કોઈ સત્ય ઘટના પર ફિલ્મ બનાવીએ ત્યારે બધું જ સાચું બતાવવું જોઈએ, નહીંતર જો તે ખોટી બતાવવામાં આવશે તો લોકો પ્રશ્ર્ન કરશે કે તે ખોટું કેવી રીતે બતાવવામાં આવ્યું?’
નાના પાટેકરે આગળ કહ્યું કે રાષ્ટ્રવાદના નામે લોકો માટે પૈસા કમાવવા એ યોગ્ય નથી અને સત્ય ઘટનાઓ પર ફિલ્મો બનાવતી વખતે વ્યક્તિએ હંમેશા તથ્યો પર સાચા રહેવું જોઈએ. નાનાએ ખાસ કરીને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ’પદ્માવત’ અને ’બાજીરાવ મસ્તાની’ને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. નાનાએ કહ્યું કે ફિલ્મનું ગીત ’મલ્હારી’ સાંભળીને તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો હતો અને આ માટે તેણે ડિરેક્ટરને ફોન કર્યો હતો. નાના પાટેકરે અગાઉ ’ધ વેક્સીન વોર’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં તેમનું નામ લીધા વિના શાહરૂખ ખાનની ફિલ્મ ’જવાન’ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે તે ફિલ્મ જોવા બેઠો પણ તે સહન ન થઈ શકી. આ સાથે જ એમને બોલિવૂડમાં નેપોટીઝમ અને નેપોકિડ્સ પર પણ કટાક્ષ કરતાં કહ્યું કે, એમને એક્ટિંગ ન આવડતી હોય તો પણ લોકો તેને દર્શકો પર થોપી દે છે અને જોવા માટે દબાણ કરે છે.હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન નસીરુદ્દીન શાહે બોલિવૂડમાં અત્યારે કઈ પ્રકારની ફિલ્મો બની રહી છે તેના વિશે વાત કરી હતી. તેમણે કહ્યું, “હવે તમે જેટલા વધુ અંધભક્ત હશો, તેટલા તમે લોકપ્રિય થશો કારણ કે તે જ આ દેશ પર શાસન કરે છે. તમારા દેશને પ્રેમ કરવો પૂરતો નથી તમારે કાલ્પનિક દુશ્મનો પણ બનાવવા પડશે. પણ આ લોકોને ખ્યાલ નથી કે તેઓ જે કરી રહ્યા છે તે ખૂબ નુક્સાનકારક છે. વાસ્તવમાં, કેરલા સ્ટોરી અને ગદર ૨ જેવી ફિલ્મો મેં જોઈ નથી, પરંતુ હું જાણું છું કે તે શેના વિશે છે, તે ચિંતાજનક છે કે કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો ખૂબ જ લોકપ્રિય છે, જ્યારે સુધીર મિશ્રા, અનુભવ સિન્હા અને હંસલ મહેતા દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોમાં, જેઓ તેમના સમયની વાસ્તવિક્તા દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ કોઈ જોતું નથી. પરંતુ તે મહત્વનું છે કે આ ફિલ્મ નિર્માતાઓ હિંમત ન હારે અને વાર્તાઓ કહેવાનું ચાલુ રાખે.”