બાળકો લોકશાહીનું મહત્વ સમજે, બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસે,બાળકો ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય, બાળકો શાળાના સુચારૂ વહીવટ માટે યોગ્યતા ધરાવતા બાળ ઉમેદવારોની પસંદગી કરતાં શીખે તેમજ બાળકો પોતાની જવાબદારી સ્વીકારી તેને સારી રીતે નિભાવતા પણ શીખે તેવા હેતુથી શાળાના આચાર્યા શૈલાબેન બારીઆ તેમજ શાળાના તમામ શિક્ષિકા બહેનોના માર્ગદર્શન હેઠળ બેલેટ પેપર થકી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના મહામંત્રી પદ તેમજ વર્ગ મંત્રી માટેની ચૂંટણી શાળાનાં છ બૂથમાં યોજવામાં આવી હતી.જેમાં એક સખીબૂથ પણ રાખવામાં આવ્યું હતું. પિંક બૂથ તરીકે ઓળખાતાં સખીબૂથમાં પિંક સાડી પહેરીને પ્રિસાઇડીંગ, આસિ.પ્રિસાઇડીંગ, પોલીંગ ઓફીસરોએ પોતાની ફરજ બજાવી હતી. તેમજ દરેક બૂથમાં ચુંટણીની પ્રક્રિયામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ચૂંટણીમાં સૌથી વધુ મત સાથે વિજેતા થયેલા મહામંત્રી ચાવડા રિંકુબેન બાબુભાઈ અને પ્રમુખપદે રોઝ દ્રષ્ટિબેન દલસિંહ તેમજ તમામ બાળ ઉમેદવારોને શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષિકા બહેનોએ અભિનંદન આપી કામ કરવાનો ઉત્સાહ વધાર્યો હતો અને એમના જીતની સૌએ સાથે મળીને ઉજવણી કરી હતી.