તાલિબાને કાંચીડાની જેમ રંગ બદલ્યો, જાણો કાશ્મીર-ભારતના મુસલમાનો માટે શું કહ્યું

અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા પછી સુફિયાણી વાતો કરનાર તાલિબાને કાંચીડાની જેમ રંગ બદલ્યો છે. ભારત સાથે સારા સંબંધ રાખવાની અને કશ્મીર ભારત- પાકિસ્તાનનો દ્રિપક્ષીય આંતરિક મામલો હોવાની વાત કરનાર તાલિબાને હવે કહ્યું છે કે તાલિબાન કશ્મીર સહિત પુરી દુનિયાના મુસલમાનો માટે અવાજ ઉઠાવશે.

તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહિને ગુરુવારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તાલિબાન કશ્મીર સહિત પુરી દુનિયાના મુસલમાનો માટે અવાજ ઉઠાવશે, શાહિને કહ્યું કે મુસ્લિમ અમારા પોતાના લોકો છે, અમારા નાગરિક છે અને કાયદા હેઠળ તેમને પણ બરાબરનો અધિકાર મળવો જોઇએ. શાહિનની વાતનો સીધો મતલબ એ છે કે કશ્મીરના ઇશ્યૂમાં હવે તાલિબાન પોતાની ટાંગ અડાવશે. હજુ તો અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બની નથી તે પહેલાં જ તાલિબાને પોતાનો રંગ બતાવવાનો શરૂ કરી દીધો છે.

આ પહેલા તાલિબાની નેતાઓએ કહ્યું કે કશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્રિપક્ષીય અને આંતરિક મામમલો છે એટલે કશ્મીરમાં તાલિબાન દખલગીરી નહી કરે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગજીએ કહ્યુ હતું કે, ભારતનું લક્ષ્‍ય એ નિશ્ચિત કરવાનું છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઇ પણ આતંકી ગતિવિધી માટે ન થાય.

આતંકી સંગઠન અલકાયદાએ અફઘાનિસ્તાનમાં જીત માટે તાલિબાનને અભિનંદન આપ્યા હતા અને સાથે સંદેશમાં ઇસ્લામના દુશ્મનો પાસેથી કશ્મીરને આઝાદ કરાવવાની અને અન્ય ઇસ્લામી જમીનોની આઝાદીની વાત કરી હતી. અલકાયદાએ કશ્મીર ઉપરાંત ફિલીસ્તીન, લેવેંટ, સોમાલિયા અને યમન જેવા વિસ્તારમાં આઝાદી માટે અપીલ કરી હતી.

અફઘાનિસ્તાના પૂર્વ પ્રધાનમંત્રી અને હિબ્જ-એ- ઇસ્લામી ગુલબુદ્દીન ( HIG) પાર્ટીના નેતા ગુલબુદ્દીન હિકમતયાર તાલિબાન સાથે ચર્ચા કરી રહ્યા છે. હિકમતયારે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તાલિબાને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ બીજા અન્ય દેશ માટે નહીં કરવામાં આવે તેવા વાયદા પર ટકી રહેવું જોઇએ. હિકમતયારે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકો એવું ઇચ્છે છે કે કશ્મીર વિવાદ, ભારત-ચીન સરહદ વિવાદ કે તિબેટ જેવા ઇશ્યુ અફઘાનિસ્તાન ન પહોંચે.

અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાને તાલિબાનને હજુ એક મહિનાનો સમયગાળા પણ પુરો થયો નથી એ પહેલાં તાલિબાને પોતે જ કહેલી વાત પર યૂ-ટર્ન માર્યા છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓને છુટ આપવાની વાત કરનાર તાલિબાને મહિલાઓને બહાર કામ પર જવા માટે પ્રતિબંધ મુકી દીધો છે અને છોકરા- છોકરી સાથે નહી ભણી શકે એવી પણ જાહેરાત કરી દીધી છે.