કરાચી,
પાકિસ્તાન સરકાર અને (તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન) વચ્ચેના યુદ્ધવિરામના અંતની અસર દેખાઈ રહી છે.રિપોર્ટ્સ અનુસાર ટીટીપીએ અફઘાનિસ્તાનની સરહદે ખૈબર પખ્તુનખ્વામાં એક પાકિસ્તાની સૈનિકની હત્યા કરી હતી. આ પછી તેની લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. લાશ સાથે ધમકીભર્યો પત્ર પણ જોડવામાં આવ્યો હતો.
જેમાં સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું હતું કે મૃતકોના અંતિમ સંસ્કારમાં કોઈએ ભાગ લેવો નહીં, નહીં તો પરિણામ ખરાબ આવશે. માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકનું નામ રહેમાન જમાન જણાવવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનના પત્રકાર સુહૈબ ઝુબેરીએ સોશિયલ મીડિયા પર તાલિબાનની બર્બરતા વિશે માહિતી આપી છે. કેટલાક અન્ય લોકોએ પણ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર જ આપી છે. ચોંકાવનારી વાત એ છે કે હજુ સુધી આ અંગે પાકિસ્તાની સેના કે સરકાર તરફથી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
સૈનિક રહેમાનનું શિરચ્છેદ કરવાની ઘટના બન્નુ જિલ્લાના જાની ખેલ વિસ્તારમાં બની હતી. બાદમાં તેનું માથું બજારના એક ઝાડ પર લટકાવી દેવામાં આવ્યું હતું. મૃતદેહની સાથે સ્થાનિક પશ્તો ભાષામાં લખેલ એક પત્ર પણ હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે શહીદ સૈનિકના અંતિમ સંસ્કારમાં કોઈએ હાજરી ન આપવી જોઈએ. નહિંતર પરિણામ ખરાબ આવશે.