તાલિબોનોનો કહેર હવે અફધાનિસ્તાનની મહિલા પત્રકારો પર

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનના વલણ અંગે મહિલાઓને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાલિબાન હવે આવી મહિલાઓને પકડવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે સમાજમાં મહિલાઓના અધિકારો માટે કામ કરી રહી હતી. આવી જ મહિલા અધિકાર કાર્યકરો અને પત્રકારોએ પોતાની વ્યથા જણાવી છે. પત્રકાર સાયરા સલિમે જણાવ્યું કે ભૂતકાળમાં તે મહિલાઓના અધિકારો માટે લડતી રહી છે. હવે તાલિબાન તેના જેવી મહિલાઓની યાદી બનાવીને તેમને શોધી રહ્યું છે.

સાયરા સલીમના જણાવ્યા અનુસાર, ચાર દિવસ પહેલા રાત્રે તેના ઘરમાં પણ તાલિબાનો આવ્યા હતા. ત્યારે તે ખાટલા નીચે સંતાઈ ગઈ. તાલિબાનોએ તેના પિતાને પૂછ્યું, કે તારી દિકરીને જીવ ગુમાવવાનો ડર નથી? સાયરાએ જણાવ્યું કે તાલિબાનના ધ્વજવાળી કાર તેમના ઘરની સામે લાંબા સમય સુધી ઉભી રહી. હવે તેને છુપાઈને રહેવાની ફરજ પડી છે. તેને ડર છે કે તાલિબાન તેની સાથે સારો વ્યવહાર નહીં કરે. પત્રકાર સાયરા સલીમ અફઘાનિસ્તાનમાં સક્રિય મહિલાઓનું માત્ર એક ઉદાહરણ છે.

વીસ વર્ષ સુધી ખુલ્લી હવામાં શ્વાસ લેનાર અફઘાનિસ્તાનની મહિલાઓ હવે ફરી તાલિબાનના આતંકનો શિકાર બની રહી છે. તે જ સમયે, તાલિબાન તરફથી મહિલાઓના શિક્ષણને લઈને એક નિવેદન બહાર આવ્યું છે. તાલિબાનના કાર્યકારી ઉચ્ચ શિક્ષણ મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે અફઘાન મહિલાઓને યુનિવર્સિટીમાં ભણવાની મંજૂરી આપવામાં આવશે પરંતુ નવા શાસન હેઠળ મિશ્ર વર્ગો પર પ્રતિબંધ રહેશે. એટલે કે છોકરાઓ અને છોકરીઓ કોઈ પણ કોલેજમાં સાથે ભણશે નહીં. છોકરીઓ માટે અલગ વર્ગો હશે.

તાલિબાનના ઉચ્ચ શિક્ષણ વિભાગના કાર્યકારી મંત્રી અબ્દુલ બાકી હક્કાનીએ મંત્રાલયના કર્મચારીઓ, સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને જણાવ્યું હતું કે, છોકરીઓ માટે સલામત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવશે. જોકે, અફઘાનિસ્તાનના શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે તાલિબાનના આ આદેશ બાદ છોકરીઓના વર્ગોને અલગ કરવા માટે વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવી પડકારજનક રહેશે. જ્યારે ખાનગી યુનિવર્સિટીઓના અધિકારીઓ કહે છે કે મોટાભાગના કાયદા ફક્ત ખાનગી યુનિવર્સિટીઓ પર લાગુ કરવામાં આવ્યા છે.