તાલિબાન સરકારનું નવું ફરમાન, ગેરકાયદે સંબંધો રાખતી મહિલાઓને મારશે જાહેરમાં કોરડા

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતા મુલ્લા હિબતુલ્લા અખુન્દઝાદાએ મહિલાઓ વિરૂદ્ધ એક નવું ફરમાન બહાર પાડ્યું છે. આ અનુસાર, કોઈપણ મહિલા વ્યભિચાર (તેના પતિ સિવાય અન્ય પુરુષ સાથે સેક્સ માણવા) માટે દોષિત ઠરે તો તેને પથ્થર મારીને મારી નાખવામાં આવશે. એક ઓડિયો સંદેશમાં અખંદઝાદાએ પશ્ચિમી દેશોની લોકશાહીને પડકારી હતી અને ઈસ્લામિક કાયદા શરિયાના કડક અમલનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું- તમે કહો છો કે જ્યારે અમે તેમને પથ્થર મારીએ છીએ ત્યારે તે મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન છે, પરંતુ ટૂંક સમયમાં જ આ સજા વ્યભિચાર માટે લાગુ કરવામાં આવશે. દોષિત મહિલાઓને જાહેરમાં કોરડા મારવામાં આવશે અને પથ્થરમારો કરવામાં આવશે.

અખુંદઝાદાએ કહ્યું- શું મહિલાઓને એવા અધિકાર જોઈએ છે જેની પશ્ચિમી દેશો વાત કરી રહ્યા છે. આવા તમામ અધિકારો શરિયા અને મૌલવીઓના અભિપ્રાય વિરુદ્ધ છે. એ જ મૌલવીઓ જેમણે પશ્ચિમી લોકશાહીને ઉથલાવી. અમે પશ્ચિમી લોકો સામે ૨૦ વર્ષ સુધી લડ્યા અને જો જરૂર પડશે તો અમે આગામી ૨૦ વર્ષ સુધી લડતા રહીશું. તાલિબાન નેતાએ આગળ કહ્યું  જ્યારે અમે કાબુલ પર ફરીથી કબજો કર્યો ત્યારે અમારું કામ પૂરું થયું ન હતું. અમે શાંતિથી બેસીને ચા પીશું નહીં. અમે અફઘાનિસ્તાનમાં શરિયા પાછી લાવીશું.

તાલિબાને મહિલાઓના અધિકારોને ખતમ કર્યા. અફઘાનિસ્તાનમાં સત્તામાં આવ્યા બાદ તાલિબાને ખાતરી આપી હતી કે તે મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન નહીં કરે. તેમ છતાં ત્યાં તેમના અધિકારો સતત ઘટાડવામાં આવી રહ્યા છે. પ્રથમ, છોકરીઓના મધ્યમ અને ઉચ્ચ શાળાના શિક્ષણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ત્યાર બાદ તેમનું યુનિવર્સિટી નું શિક્ષણ રોકી દેવામાં આવ્યું હતું. આ સિવાય મહિલાઓને મોટાભાગની નોકરીઓમાંથી કાઢી નાખવામાં આવી હતી અથવા તેમના સ્થાને તેમના પરિવારમાંથી કોઈ પુરુષને નોકરી પર રાખવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં મહિલાઓને બ્યુટી પાર્લર જવા અને સ્પોર્ટ્સ રમવા જેવી ઘણી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તાલિબાન સરકારની ક્રૂરતા સતત વધી રહી છે. ગયા વર્ષે, તાલિબાને બલ્ખ વિસ્તારમાં ઘણી છોકરીઓને યુનિવર્સિટી માં પ્રવેશતા અટકાવ્યા કારણ કે તેઓ તેમના ચહેરાને યોગ્ય રીતે ઢાંક્તી ન હતી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના એક નિષ્ણાતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોનું સતત કચડાઈ થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેની તપાસ થવી જોઈએ.

અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને કહ્યું હતું કે દેશમાં શરિયા કાયદો લાગુ કરવામાં આવશે. વાસ્તવમાં, ઈસ્લામમાં માનનારા લોકો માટે શરિયા એક કાનૂની વ્યવસ્થા જેવી છે. તેનો ઉપયોગ ઘણા ઇસ્લામિક દેશોમાં થાય છે. જો કે, પાકિસ્તાન સહિત મોટાભાગના ઇસ્લામિક દેશોમાં તેનો સંપૂર્ણ અમલ થતો નથી. તેમાં રોજિંદા જીવનથી લઈને ઘણા મોટા મુદ્દાઓ પર કાયદા છે. શરિયામાં કુટુંબ, નાણાં અને વ્યવસાય સંબંધિત કાયદાઓનો સમાવેશ થાય છે. શરિયા કાયદા હેઠળ દારૂ પીવો, માદક દ્રવ્યોનો ઉપયોગ કરવો અથવા હેરફેર એ મુખ્ય ગુનાઓમાંનો એક છે. તેથી જ આ ગુનાઓ માટે કડક સજાના નિયમો છે.