હાલોલ,
નારાયણધામ તાજપુરા ખાતે કોરોનાની મહામારી બાદ અષાઢ સુદ પૂનમને બુધવારના રોજ ભક્તિ પૂર્ણ માહોલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી. આ શુભ અવસરની ઉજવણીનું આયોજન શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા દ્વારા કરવામાં આવી છે. લાખોની સંખ્યામાં ભક્તો ગુરૂ વંદના કરવા ઉમટયા છે.
ગુરૂપૂર્ણિમાના રોજ તાલુકાના તાજપુરા ખાતે આવેલ બ્રહ્મલીન પ.પૂ. નારાયણ બાપુની સમાધિ ખાતે ગુરૂ વંદના કરવા લાખોની સંખ્યામાં ગુરૂભક્ત ઉમટી પડ્યા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે ગુરૂપૂર્ણિમાની ગુરૂ વંદના ભક્તોને પાંખી હાજરીમાં સાદગીપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે ગુરૂપૂર્ણિમાના રોજ વહેલી સવારથી જ ભક્તિ સભર કાર્યક્રમ શરૂ થયો હતો. જેમાં પ. પૂ. બ્રહ્મલીન નારાયણ બાપુજીની પાદુકા પૂજન તેમજ અભિષેક તેમજ પૂ. બાપુજીની પાલખી યાત્રા તેમજ પ્રાર્થના સભાનું આયોજન કરવામા આવ્યુ હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે લાખોની સંખ્યામાં નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે ખાસ કરીને ગૌરીવ્રત ચાલતું હોઇ દર્શને આવનારા કુંવારીકાઓને ફરાળ માટે 5000 પેકેટ, કેળાની વેફર 50મણ કેળા તેમજ ગાયના ઘીની 400 કિલો લાપસી અલગથી ફરાળ માટે બનાવવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.