નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસેથી તાજમહેલ અને તેની આસપાસના સંરક્ષણ માટે તૈયાર કરવામાં આવેલા વિઝન ડોક્યુમેન્ટ અને પ્લાન પર જવાબ માંગ્યો હતો. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુયાનની બેંચે ઉત્તર પ્રદેશ સરકારને વિઝન ડોક્યુમેન્ટ રેકોર્ડ પર લાવવાનો નિર્દેશ આપ્યો હતો. જે રાજ્ય સરકારની સાથે સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આકટેક્ચર દ્વારા તૈયાર કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટની બેંચ તાજમહેલને બચાવવા અને તાજ ટ્રેપેઝિયમ ઝોનની સુરક્ષા માટે વિઝન ડોક્યુમેન્ટના અમલની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ‘આશ્ર્ચર્યજનક’ છે કે ૨૬ જુલાઈ, ૨૦૧૮ ના રોજ, તેણે નોંધ્યું હતું કે યોજના તૈયાર કરવામાં આવી હતી. પરંતુ આ એએસઆઇની સલાહ લીધા વિના કરવામાં આવ્યું હતું, જે તાજમહેલની જાળવણી માટે જવાબદાર છે. બેન્ચે કહ્યું કે, ‘અમે વિઝન ડોક્યુમેન્ટ પર એએસઆઇની પ્રતિક્રિયા જાણવા માંગીએ છીએ.’ બેન્ચે આ કેસની આગામી સુનાવણી ૧૧ જુલાઈ નક્કી કરી છે.
મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા ૧૬૩૧માં તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકને સુરક્ષિત કરવા માટે સુપ્રીમ કોર્ટ આ વિસ્તારમાં વિકાસ પર નજર રાખી રહી છે. આ મકબરો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે આગ્રાને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવાની માગણી કરતી અન્ય અરજી પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકારને છ સપ્તાહમાં તેનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તાજમહેલ પાસે યમુના નદીની સફાઈ માટેની અરજી પર સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, નદીના પટમાંથી કાંપ, કચરો અને કાદવ સાફ કરવાના સૂચન પર કોઈ વિવાદ થવો જોઈએ નહીં.સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, ‘જો અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી, તો તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે’ અને એ પણ કહ્યું કે જો જરૂર પડે તો કેન્દ્ર કોઈ નિષ્ણાત એજન્સીની મદદ લઈ શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, યમુના નદીના પટમાંથી કાંપ, કચરો અને કાદવ દૂર કરવું એ સતત પ્રક્રિયા હોવી જોઈએ અને અત્યાર સુધી લેવામાં આવેલા પગલાં અંગે કેન્દ્ર, ઉત્તર પ્રદેશ સરકાર અને આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા એફિડેવિટ દાખલ કરવી જોઈએ.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મુદ્દે કેન્દ્ર, યુપી અને એડીએ દ્વારા ૧૧ જુલાઈ સુધીમાં એફિડેવિટ દાખલ કરવી જોઈએ.