તાઇવાન સાથે તણાવ:અમેરિકન જનરલનો દાવો- ૨૦૨૫માં ચીનની સાથે મોટું યુદ્ધ; ડ્રેગન લાલઘૂમ

વોશિંગ્ટન,

તાઈવાન વિવાદને લઇ અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ચીન તાઈવાનને હડપ કરવા મથી રહ્યું છે અને અમેરિકા તાઈવાનને મદદ કરી રહ્યું છે તેના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે. ત્યારે આ માહોલ વચ્ચે અમેરિકન એરફોર્સના સિનિયર અધિકારી જનરલ માઈક મિનિહાને ચેતવણી આપી છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ૨૦૨૫માં યુદ્ધ થઈ શકે છે.

તેમણે કહ્યું કે જો બે સૈન્ય શક્તિઓ યુદ્ધમાં ઉતરે તો સ્થિતિ ગંભીર બનશે. આવી સ્થિતિમાં યુદ્ધની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ. આ અંગે ટોચના જનરલે વરિષ્ઠ અધિકારીઓને મેમો પણ મોકલ્યો છે. મિનિહાને કહ્યું- મારો અંતરાત્મા કહે છે કે હું ૨૦૨૫માં યુદ્ધના મેદાનમાં લડીશ. અમેરિકામાં એર મોબિલિટી કમાન્ડમાં ૧.૧ સર્વિસ મેમ્બર અને અંદાજે ૫૦૦ એરક્રાફ્ટ છે.

એર મોબિલિટી કમાન્ડ પરિવહન અને રિફ્યુઅલિંગ એરક્રાફ્ટના કાફલાની જાળવણી માટેની જવાબદારી સંભાળે છે. આ મેમોથી પ્રશાંત ક્ષેત્રના બંને કિનારાઓ પર ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ મેમોથી ચીન ભડકી ઊઠ્યું છે. ચીનના સરકારી અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સે’ આ મેમોને લાપરવાહ અને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે.

દરમિયાન, ચીની સેનાના નિવૃત્ત વરિષ્ઠ કર્નલ અને સિંઘુઆ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ સિક્યુરિટી એન્ડ સ્ટ્રેટેજીના ફેલો ઝોઉ બોએ ટાઇમને જણાવ્યું હતું કે મિનિહાનનું અનુમાન બેજવાબદાર ભર્યું છે. તેમણે કહ્યું કે અમેરિકન જનરલ રણનીતિના ભાગરૂપે એક પણ ગોળી ચલાવ્યા વિના ચીનની છબી અને વિશ્ર્વસનીયતાને ક્ષતિગ્રસ્ત કરવા માગે છે.

બીજી તરફ, યુએસના નિવૃત્ત લેટનન્ટ કર્નલ ડેનિયલ એલ. ડેવિસે ટાઈમને જણાવ્યું હતું કે આ ચેતવણીનો અર્થ એ છે કે કાં તો જનરલ ઘણું બધું જાણે છે જે આપણે નથી જાણતા અથવા ખરેખર ટૂંક સમયમાં તૈયાર રહેવા ચેતવી રહ્યા છે.

ચોક્કસપણે આ મેમો ખૂબ જ અસામાન્ય છે. દરમિયાન, પેન્ટાગોન પ્રેસ સેક્રેટરી બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાય રાયડરે કહ્યું છે કે ચીન સંરક્ષણ વિભાગ માટે સતત પડકાર ઊભો કરી રહ્યું છે જ્યારે અમે શાંતિપૂર્ણ, મુક્ત અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રને જાળવવા માટે સહયોગીઓ અને ભાગીદારો સાથે કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

૨.૩ કરોડની વસ્તીવાળા સ્વ-શાસિત ટાપુ તાઈવાનને લઈને અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણની સ્થિતિ છે. ચીન આ વિસ્તારને પોતાનો હોવાનો દાવો કરે છે. યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના ભૂતપૂર્વ વડા ફિલિપ ડેવિડસ એ વાત પર મક્કમ છે કે ચીન ૨૦૨૭ સુધીમાં તાઈવાન પર હુમલો કરી શકે છે. મિનિહાને મેમોમાં જણાવ્યું હતું કે ૨૦૨૪માં તાઈવાન અને યુએસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. આવા માહોલમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તાઈવાનની નજીક આવવાની તક મળશે. આમ તો જિનપિંગને ત્રીજી ટર્મ મળી ગઇ છે.

યુએસ રિપબ્લિકન હાઉસના નવા સ્પીકર કેવિન મેકકાર્થીએ કહ્યું છે કે બંને પક્ષો સહમત છે કે ચીન પર ભરોસો રાખવાનો યુગ સમાપ્ત થઈ ગયો છે. મેકકાર્થી તેના પુરોગામી નેન્સી પેલોસીના પગલે ચાલવા માંગે છે.