બીજીંગ,તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન યુએસની મુલાકાતે ગયા હતા અને ત્યાંની સંસદના સ્પીકર કેવિન મેકકાર્થીને મળ્યા પછી ચીને વળતો જવાબ આપ્યો છે. ચીન દ્વારા પોતાના ૨ ફાઈટર એરક્રાફ્ટ અને શેંનડોંગ સહિત ૩ યુદ્ધ જહાજોને તાઈવાન નજીક તહેનાત કરવામાં આવ્યા છે. અલજઝીરાના રિપોર્ટ અનુસાર, યુદ્ધ જહાજ તાઈવાનના પૂર્વ કિનારેથી ૩૭૦ કિલોમીટર દૂર છે. આ તરફ તાઈવાનના યુદ્ધ જહાજો આ અંગે સતત નજર રાખી રહ્યા છે.
તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેન કેલિફોર્નિયામાં સ્પીકર મેકકાર્થીને મળ્યા હતા. જેને ચીને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવ્યું હતું. યુદ્ધ જહાજ અને ફાઈટર જેટ સાથે તાઈવાનની રેકી કરવા ઉપરાંત ચીને અમેરિકામાં તાઈવાનના પ્રતિનિધિ પર નિયંત્રણો લાદ્યા છે. પ્રતિનિધિ હસિઆઓ બી કિમ અને તેમનો પરિવાર પ્રતિબંધોને કારણે હવે ચીન, હોંગકોંગ અને મેકાઉ ક્યારેય જઈ શકશે નહીં. આ સિવાય એમ્બેસેડરની કંપનીઓ પણ ચીન સાથે કોઈ વેપાર કરી શકશે નહીં.
આ તરફ ચીને પણ બે અમેરિકન સંસ્થાઓ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર આ બંને સંસ્થાઓએ રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેઈનની યુએસ મુલાકાતની યોજના બનાવી હતી. આ સંસ્થાઓમાં કેલિફોર્નિયા ની રોનાલ્ડ રીગન લાઇબ્રેરીનો પણ સમાવેશ થાય છે.
ચીને રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનને અમેરિકા જતા પહેલા જ ચેતવણી આપી હતી. આ સાથે અમેરિકા પર પણ વિવાદ વધારવાનો પણ આરોપ લાગ્યો હતો. ખરેખર, સાઈ ઈંગ વેન તાઈવાનને સાર્વભૌમત્વ રાષ્ટ્ર તરીકે જુએ છે. તેઓ માને છે કે તાઈવાન ’વન ચાઈના’નો ભાગ નથી.ચીન તેમના આ વલણથી નારાજ છે. ૨૦૧૬માં સત્તામાં આવ્યા ત્યારથી ચીન તાઈવાન સાથે વાતચીત કરવાનો ઈક્ધાર કરી રહ્યું છે. ચીને આ ટાપુ પર આર્થિક , સૈન્ય અને રાજ દ્વારી દબાણ પણ વધારી દીધુ છે. ચીન માને છે કે તાઈવાન તેનો વિસ્તાર છે. ચીનનું કહેવું છે કે જો જરૂર પડશે તો તે બળપ્રયોગ કરીને પણ કબજો કરી શકે છે. પરંતુ સાઈ ચીનના ગેરકાયદેસર કૃત્યનો જડબાતોડ જવાબ આપે છે.ચીન અને તાઈવાન વચ્ચેની પરસ્પર લડાઈની કહાની ૧૯૪૯થી શરૂ થાય છે. આ પહેલા બંને દેશ એક હતા. ખરેખરમાં, ૧૯૪૯માં સામ્યવાદી નેતા માઓત્સે તુંગની આગેવાનીમાં ચિયાંગ કાઈ-શેકના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોમિંગતાંગ પાર્ટીની સરકાર સામે ગૃહયુદ્ધ છેડવામાં આવ્યું હતું. આમાં માઓત્સે તુંગ અને તેમના સમર્થકોનો વિજય થયો હતો.
આ પછી ચિયાંગ કાઈ-શેક પોતાના સમર્થકો સાથે સમુદ્ર પાર કરીને તાઈવાન નામના ટાપુ પર પહોંચ્યા. સામ્યવાદીઓ પાસે સૈન્ય સાથે સમુદ્ર પાર કરવાનું સાધન ન હતા, તેથી તેઓ તાઇવાન ગયા નહીં. આ પછી માઓત્સે તુંગે ચીનમાં સરકાર બનાવી. જ્યારે, તાઈવાનમાં ચિયાંગ કાઈ-શેકના નેતૃત્વમાં નેશનાલિસ્ટ કોમિંગ તાંગ પાર્ટીની સરકાર બની.ખરી લડાઈ તે પછી શરૂ થઈ, જ્યારે માઓએ કહ્યું કે તેણે આખું ચીન જીતી લીધું છે, તેથી તાઈવાન પર તેમનો અધિકાર છે. જ્યારે, કમિંગતાંગે જણાવ્યું હતું કે તેઓ ચીનના કેટલાક ભાગોમાં પરાજય પામ્યા છે, પરંતુ તેઓ જ ચીનનું પ્રતિનિધિત્વ કરે છે. આ કારણોસર તાઈવાને તેનું સત્તાવાર નામ ’રિપબ્લિક ઓફ ચાઈના’ રાખ્યું છે, જ્યારે ચીનનું હાલનું નામ ’પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના’ છે. ૧૯૫૦થી ચીન તાઈવાનને પોતાના દેશમાં સામેલ કરવા માંગે છે.