તાઇવાન,
તાઇવાને પોતાના યુવાનો માટે અત્યારના ફરજિયાત મિલિટરી સર્વિસના ચાર મહિનાના સમયગાળાને વધારીને એક વર્ષ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ ચીનના અનેક વૉરપ્લેન્સ અને વૉરશિપ્સે તાઇવાનની સીમામાં ઘૂસણખોરી કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તાઇવાન પોતાના નિર્ણયને ૨૦૨૪થી લાગુ કરશે.
તાઇવાનના પ્રેસિડન્ટ ત્સાઈ ઇંગ વેને જણાવ્યું હતું કે તાઇવાને ચીનથી વધી રહેલા ખતરાથી તૈયાર રહેવાની જરૂર છે. અત્યારની ચાર મહિના માટેની મિલિટરી સર્વિસ બદલાતી સ્થિતિનો સામનો કરવા માટે પૂરતી નથી. ચાઇનીઝ સિવિલ વૉર બાદ ૧૯૪૯માં તાઇવાનમાં ૧૮ વર્ષથી વધારે ઉંમરના તમામ તાઇવાન પુરુષોએ શરૂઆતમાં મિલિટરીમાં બેથી ત્રણ વર્ષ સર્વિસ કરવી પડતી હતી. ૨૦૧૮માં આ સમયગાળો ઘટાડીને ચાર મહિના કરવામાં આવ્યો હતો.