વોશિગ્ટન, અમેરિકા માટે રશિયા બાદ હવે ચીનના હૅર્ક્સ મોટી મુશ્કેલી બન્યા છે. ચીનની સરકાર દ્વારા સ્પૉન્સર ચાઇનીઝ હૅકિંગ ગ્રુપ અમેરિકાની ટેલિકમ્યુનિકેશન્સથી લઈને ટ્રાન્સપોર્ટેશન હબ્સ સુધી અનેક મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓની જાસૂસી કરી રહ્યું છે. પશ્ર્ચિમી ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને માઈક્રોસોફ્ટે બુધવારે આ વાત જણાવી હતી.
માઈક્રોસોફ્ટે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ હૅર્ક્સે અમેરિકન આઇલૅન્ડ પ્રદેશ ગુઆમને પણ ટાર્ગેટ કર્યો હતો, જે વ્યુહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ અમેરિકન મિલિટરી બેઝ છે. આ હુમલાનો સામનો કરવો એ પડકારજનક હોઈ શકે છે. ચિંતાની વાત એ છે કે જે કમ્પ્યુટર કોડને હૅર્ક્સે અમેરિકન સિસ્ટમમાં નાખવાનું શરૂ કર્યું એ ગુઆમ ટેલિકમ્યુનિકેશન સિસ્ટમમાં પણ મળ્યો હતો. આ વાત ડરામણી એટલા માટે છે કે ગુઆમ અમેરિકાના સૌથી વિશાળ ઍરબેઝમાં સામેલ છે, જેના નિયંત્રણમાં પ્રશાંત મહાસાગરમાં સૌથી મહત્ત્વનાં પોર્ટ્સ આવે છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઍરબેઝ અમેરિકા અને એશિયાની વચ્ચે સુરક્ષાની દૃષ્ટિએ બ્રિજનું કામ કરે છે એટલે કે તાઇવાન પર જો ચીન તરફથી કોઈ હુમલો કરવામાં આવે તો ગુઆમ ઍરબેઝ અમેરિકન મિલિટરી રિસ્પૉન્સ માટેનું સૌથી મહત્ત્વનું કેન્દ્ર રહેશે. ચીન તરફથી ગુઆમની સુરક્ષા વ્યવસ્થાને ટાર્ગેટ કરવામાં આવ્યા બાદ એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ રીતે યુદ્ધની સ્થિતિમાં ચીનના હૅર્ક્સ અમેરિકાના ઍરબેઝને ટાર્ગેટ કરી શકે છે.
હજી સુધી એ સ્પષ્ટ નથી કે કેટલી સંસ્થાઓને અસર થઈ છે, પરંતુ અમેરિકન નૅશનલ સિક્યૉરિટી એજન્સીએ જણાવ્યું હતું કે સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ભંગ થયો છે એની ઓળખ કરવા માટે એ કૅનેડા, ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશોની એજન્સીઓ તેમ જ અમેરિકન ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન સાથે મળીને કામ કરે છે.
ચાઇનીઝ હૅર્ક્સ પશ્ર્ચિમી દેશોની જાસૂસી કરવા માટે કુખ્યાત છે. જોકે અમેરિકાના મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિરુદ્ધ આ સૌથી મોટું સાઇબર જાસૂસી કૅમ્પેન છે. અમેરિકન નૅશનલ સિક્યૉરિટી એજન્સીના સાઇબર સિક્યૉરિટી ડિરેક્ટર રોબ જોયસે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સરકાર દ્વારા સ્પૉન્સર્ડ હૅર્ક્સ સાઇબર સિક્યૉરિટી માટેની વ્યવસ્થાને તોડવા માટે બિલ્ટ-ઇન નેટવર્ક ટૂલ્સનો ઉપયોગ કરે છે અને કોઈ પુરાવો પણ છોડતા નથી. આવી સ્પાય ટેક્નિક્સને ડિટેક્ટ કરવી ખૂબ મુશ્કેલ છે.’ માઈક્રોસોફ્ટે જણાવ્યું હતું કે આ ચાઇનીઝ ગ્રુપને વૉલ્ટ ટાઇફૂન ગણાવવામાં આવી રહ્યું છે, જે છેક ૨૦૨૧થી ઍક્ટિવ છે. આ ગ્રુપે કમ્યુનિકેશન્સ, મૅન્યુફૅક્ચરિંગ, યુટિલિટી, ટ્રાન્સપોર્ટેશન, કન્સ્ટ્રક્શન, મૅરિટાઇમ, ગવર્નમેન્ટ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી અને એજ્યુકેશન સહિત અનેક ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ કરી છે.